ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પેટ્રોલમાં હવે 30% સુધી ઇથેનોલ મિશ્રણની તૈયારી, સરકારે તૈયાર કર્યો મોટો પ્લાન

BIS fuel rules: ભારત હવે પેટ્રોલમાં વધુ ઇથેનોલ મિશ્રણ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકાર હાલની E20 યોજનાથી આગળ વધીને E22, E25, E27 અને E30 ઇંધણ માટે તકનીકી તૈયારી શરૂ કરી રહી છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં પેટ્રોલમાં 22%, 25%, 27% અને 30% સુધી ઇથેનોલ મિશ્રિત થઈ શકે છે.

સરકારના આ પગલાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત હવે વિદેશી કાચા તેલ પર પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તાજેતરના સમયમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને કાચા તેલના ભાવોમાં સતત ઉતાર-ચઢાવને કારણે ઊર્જા સુરક્ષા એક મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે.

18 મેના રોજ જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે નવા ફ્યુઅલ બ્લેન્ડ માટે ધોરણો જાહેર કર્યા. આ નવા નિયમો 15 મે 2026થી અમલમાં આવી ગયા છે. હાલ દેશભરમાં E20 ફ્યુઅલ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે, જેમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા-ઈરાન તણાવને કારણે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. આ કારણે વિશ્વભરમાં કાચા તેલની સપ્લાય પર દબાણ સર્જાયું છે.

નવા નિયમોમાં શું ખાસ હશે?

નવા BIS ધોરણોમાં એવા એન્જિન અને વાહનો માટે ટેકનિકલ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જે વધુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલી શકે. તેમાં ફ્યુઅલની ગુણવત્તા, ઓક્ટેન લેવલ, સલ્ફર મર્યાદા, પાણીનું પ્રમાણ, વેપર પ્રેશર, કાટથી રક્ષણ અને ફ્યુઅલની સ્થિરતા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ નિયમોનો મુખ્ય હેતુ એ છે કે ભવિષ્યમાં આવનારી ફ્લેક્સ-ફ્યુઅલ અને વધુ ઇથેનોલ સપોર્ટ કરતા વાહનો સલામત રીતે અને વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકે.

ઇથેનોલ ઉદ્યોગે કર્યુ સ્વાગત

ઇથેનોલ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોએ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી વધારાના ઇથેનોલ ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે અને દેશમાં સ્વચ્છ પરિવહન (clean mobility)ને પ્રોત્સાહન મળશે. ઉદ્યોગના આંકડા મુજબ ભારતની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા લગભગ 2 અબજ લિટર સુધી પહોંચી ગઈ છે, પરંતુ તેલ કંપનીઓ દ્વારા હાલ તેની ખરીદી માત્ર લગભગ 1 અબજ લિટર સુધી જ મર્યાદિત રહી છે.

આ પણ વાંચો: ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં નવો વળાંક, CCTV ફૂટેજ સામે આવ્યા, છેલ્લી તસવીરો વાયરલ

Back to top button