Gen Zનું ફેવરિટ એનર્જી ડ્રિંક બજારમાંથી કેમ હટાવાઈ રહ્યું છે? જાણો કારણ
Energy drink: ભારતમાં વેચાતા હાઈ-કેફીન પીણાં પર સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેપ્સીકોના ‘સ્ટિંગ’ (Sting), રેડ બુલ (Red Bull), મોન્સ્ટર (Monster), રિલાયન્સના ‘કેમ્પા એનર્જી’ (Campa Energy) અને અન્ય કંપનીઓને પોતાના પ્રોડક્ટ્સ પર ‘એનર્જી ડ્રિંક’ કે તેનાથી મળતા-આવતા શબ્દોનો ઉપયોગ બંધ કરવા માટે જણાવ્યું છે. સરકારનું કહેવું છે કે ભારતમાં એનર્જી ડ્રિંક માટે કોઈ અલગથી ફૂડ સ્ટેન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા નથી અને આ પ્રકારના દાવો ગ્રાહકોને ભ્રમિત કરી શકે છે. આ નિર્ણયનો ઘણી મોટી કંપનીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ સરકાર પોતાના વલણ પર અડગ છે. કંપનીઓને આ નવા નિયમો લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
રોયટર્સના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં યોજાયેલી બેઠકમાં કંપનીઓએ આ નિર્ણયથી થનારા વ્યાપારી નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે વર્ષોથી તેમની બ્રાન્ડ ઓળખ ‘એનર્જી ડ્રિંક’ તરીકે બનેલી છે અને અચાનક લેબલ બદલવાથી ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થશે. જોકે, FSSAIના સીઈઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો કંપનીઓ આ નિર્ણયથી અસહમત હોય તો તેઓ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે, પરંતુ નિયમોનું પાલન કરવું જ પડશે. રિપોર્ટ મુજબ, ઉદ્યોગ જગતે હાલ પૂરતું 90 દિવસની અંદર નવા લેબલ સાથે પ્રોડક્ટ્સ વેચવા પર સંમતિ દર્શાવી છે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
FSSAIનું કહેવું છે કે ભારતમાં ‘એનર્જી ડ્રિંક’ નામે કોઈ સત્તાવાર ફૂડ કેટેગરી કે સ્ટેન્ડર્ડ અસ્તિત્વમાં નથી. આવી સ્થિતિમાં કોઈ પીણાને શરીર અને મગજને ઉર્જા આપનારું કે નબળાઈ દૂર કરનારું બતાવવું એ ગેરમાર્ગે દોરનારો દાવો (મિસલીડિંગ ક્લેમ) ગણી શકાય. આ જ કારણસર કંપનીઓને આવા દાવા અને લેબલ હટાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કઈ કંપનીઓ પર પડશે અસર?
આ નિર્ણયની અસર વિશ્વ અને ભારતની ઘણી મોટી કંપનીઓ પર પડશે. જેમાં પેપ્સીકો (Sting), રેડ બુલ (Red Bull), મોન્સ્ટર બેવરેજ (Monster), રિલાયન્સ (Campa Energy) અને હેલ એનર્જી (Hell Energy) જેવા બ્રાન્ડ્સ સામેલ છે. આ તમામ કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સનું માર્કેટિંગ એનર્જી ડ્રિંક તરીકે જ કર્યું છે.
ઝડપથી વધી રહ્યું છે માર્કેટ
ભારતનું એનર્જી ડ્રિંક માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટ મુજબ, 2028 સુધીમાં આ માર્કેટ 1.6 બિલિયન ડોલરનું થઈ શકે છે અને તેમાં દર વર્ષે લગભગ 12.6% ગ્રોથનો અંદાજ છે. ખાસ કરીને યુવાનો અને નાના શહેરોમાં આ ડ્રિંક્સની માંગ સતત વધી રહી છે.
રાજસ્થાનમાં શરૂ થઈ ચૂકી છે કાર્યવાહી
રિપોર્ટ અનુસાર, રાજસ્થાન એડમિનિસ્ટ્રેશન પહેલાથી જ Sting, Campa Energy અને Red Bull જેવા પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી કરી ચૂક્યું છે. આ સાથે Amazon, Flipkart, Blinkit અને Instamart જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ પ્રોડક્ટ્સને એનર્જી ડ્રિંકના નામે પ્રમોટ ન કરે.
આગળ શું થશે?
સરકારનું કહેવું છે કે તેનો હેતુ ગ્રાહકોને સાચી માહિતી આપવાનો અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ પર રોક લગાવવાનો છે. બીજી તરફ, કંપનીઓનું માનવું છે કે આ નિર્ણયથી તેમની બ્રાન્ડ ઓળખ અને બિઝનેસ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. હાલમાં કંપનીઓ પાસે નવા નિયમો મુજબ લેબલ બદલવા માટે 90 દિવસનો સમય છે.
આ પણ વાંચો:ફૂટબોલ જગતમાં શોકનું મોજું: એસી મિલાનની શાન અને મહાન ડિફેન્ડરનું 66 વર્ષની વયે દુઃખદ અવસાન
આ પણ વાંચો:PM મોદીની બ્રિટનના નવા વડાપ્રધાન સાથે વાતચીત, વેપાર અને સહયોગ મુદ્દે ચર્ચા












