ભારતે જારી કર્યા AIના નવા નિયમ, હવે દરેક ટેક કંપનીઓએ “ડુ નો હાર્મ” માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે

નવી દિલ્હી, 6 નવેમ્બર, 2025: ભારત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઇને મોટુ પગલું ભર્યુ છે. હવે દેશમાં AIની જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે નવી AI ગવર્નન્સ માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકા નક્કી કરશે કે કંપનીઓ, ડેવલપર્સ અને સંસ્થાઓ AIનો ઉપયોગ કેવી રીતે કરશે જેથી કોઇને નુકસાન ન થાય. ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ માર્ગદર્શિકાઓને પોતાના IndiaAI મિશન હેઠળ લોન્ચ કર્યુ છે.
આ પ્રસંગે, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદે જણાવ્યું હતું કે ભારત “do no harm”ના સિદ્ધાંત પર કાર્ય કરશે. આનો અર્થ એ છે કે AI કોઈપણ વ્યક્તિ, સમુદાય અથવા પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરશે નહી.
સરકારનું AI પર હવે ધ્યાન
મંત્રાલય સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે ભારતનું AI માળખું માનવ-કેન્દ્રિત હશે. આનો અર્થ એ છે કે AIનો હેતુ માનવોને મદદ કરવાનો છે, તેમને બદલવાનો કે નુકસાન પહોંચાડવાનો નથી. સરકાર ઇચ્છે છે કે AI ટેકનોલોજી લોકોના જીવનને સરળ બનાવે અને તેનો ઉપયોગ પારદર્શક અને વિશ્વસનીય રીતે થાય. આ નવા નિયમો AI ડેવલપર્સ અને કંપનીઓ માટે સાત મુખ્ય નૈતિક સિદ્ધાંતો અને છ મુખ્ય શાસન સ્તંભો સ્થાપિત કરે છે. આમાં ડેટા ગોપનીયતા, પૂર્વગ્રહ અટકાવવા, જવાબદારી અને સુરક્ષા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ માળખું કોણે તૈયાર કર્યું?
પ્રોફેસર બલરામન રવિન્દ્રનની અધ્યક્ષતામાં આ માર્ગદર્શિકા વિકસાવવા માટે સરકારે એક ખાસ સમિતિની રચના કરી છે. ટીમમાં નીતિ આયોગ, માઈક્રોસોફ્ટ રિસર્ચ ઈન્ડિયા, IIT મદ્રાસ અને iSPIRT ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ કરાયો હતો.
ઇન્ડિયા-AI ઇમ્પેક્ટ સમિટ 2026ની પણ જાહેરાત કરી
સરકારે એવી પણ જાહેરાત કરી કે India-AI ઇમ્પેક્ટ સમિટ 2026 ફેબ્રુઆરી 2026માં દિલ્હીમાં યોજાશે. વિશ્વભરના AI નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નેતાઓ ભાગ લેશે. આ સમિટમાં સમાજના લાભ માટે AIનો જવાબદારીપૂર્વક અને સલામત રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની ચર્ચા કરવામાં આવશે.
આ જ કાર્યક્રમમાં, IndiaAI મિશન અને જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) દ્વારા આયોજિત AI હેકાથોનના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ ટીમોએ ખનિજ સંશોધન અને સંસાધન મેપિંગમાં નવીન AI ઉકેલો રજૂ કર્યા છે.
આ પણ વાંચોઃ અનિલ અંબાણીની મુસીબતો અટકવાનું નામ જ લેતી નથી, હવે તપાસમાં કોર્પોરેટ મંત્રાલયે પણ ઝંપલાવ્યુ












