ઋતુરાજની શાનદાર સદી બાદ બોલરોનો કહેર, ઈન્ડિયા એ ટીમે શ્રીલંકાના જડબામાંથી મેચ છીનવી

IND A vs SL A Highlights: શ્રીલંકાના દામ્બુલામાં રમાયેલી ત્રિકોણીય વનડે સિરીઝ 2026 ની રોમાંચક પ્રથમ મેચમાં ઇન્ડિયા એ (India A) ટીમે યજમાન શ્રીલંકા એ (Sri Lanka A) ટીમને 8 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. રણગિરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી અને તિલક વર્માની અર્ધસદીની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 277/6 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ જીતની નજીક પહોંચવા છતાં ભારતીય બોલરોના દબાણ સામે 48.5 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાની ઇનિંગ્સ: જીતના આરે પહોંચીને ટીમ નબળી પડી
278 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા એ ટીમની શરૂઆત મજબૂત રહી હતી. ઓપનર નિરોશન ડિકવેલાએ 47 રન અને અવિષ્કા ફર્નાન્ડોએ 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ સદીરા સમરવિક્રમાએ 46 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. મિડલ ઓર્ડરમાં કેપ્ટન સહાન અરાચિગેએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 72 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
મેચનો ટર્નિંગ પોઈન્ટ 48મી ઓવરમાં આવ્યો જ્યારે અંશુલ કાંબોજે કેપ્ટન સહાન અરાચિગેને આઉટ કર્યો. એ સમયે શ્રીલંકાને જીતવા માટે માત્ર 10 બોલમાં 9 રનની જરૂર હતી અને ૩ વિકેટ હાથમાં હતી. પરંતુ કેપ્ટન આઉટ થતાં જ ટીમ દબાણમાં આવી ગઈ. ત્યારબાદ વાનુજા સહાન 23 રન બનાવી રનઆઉટ થયો અને મોહમ્મદ શિરાજ શૂન્ય રને આઉટ થતાં આખી ટીમ 269 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદ ખાન, અનુકૂલ રોય, આયુષ બદોની અને વિપ્રજ નિગમને ૨-૨ વિકેટ મળી હતી.
ભારતની ઇનિંગ્સ: વૈભવ ફ્લોપ, રુતુરાજ-તિલકની 150 રનની પાર્ટનરશિપ
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયા એ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આઈપીએલમાં ધમાલ મચાવનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે પ્રભસિમરન સિંહ માત્ર ૨ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. 16 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ પ્રિયાંશ આર્ય (32) અને રુતુરાજ ગાયકવાડે 53 રન જોડ્યા હતા, પરંતુ પ્રિયાંશ રનઆઉટ થયો હતો.
ત્યારબાદ રુતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ ઇનિંગને સંભાળી હતી. ઋતુરાજે 112 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 101 રન બનાવ્યા હતા. ઋતુરાજ અને તિલક વર્મા વચ્ચે ચોથી વિકેટ માટે 150 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. તિલક વર્માએ 97 બોલમાં 60 રનની ધીમી પણ મહત્વની અર્ધસદી ફટકારી હતી. અંતિમ ઓવરોમાં સૂર્યાંશ શેડગેએ 14 બોલમાં અણનમ 26 રન અને આયુષ બદોનીએ 18 બોલમાં 24 રન ફટકારીને ટીમના સ્કોરને 277 સુધી પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી મોહમ્મદ શિરાજે સૌથી વધુ ૨ વિકેટ ઝડપી હતી.
ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?
શ્રીલંકામાં 9 થી 21 જૂન દરમિયાન ભારત એ, શ્રીલંકા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે રમાનારી આ ટ્રાય સિરીઝનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ (Sony Sports) નેટવર્ક અને સોની લિવ (Sony LIV) એપ પર થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ CMનો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય, 11 જૂનથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડાશે
આ પણ વાંચોઃ PoKમાં જે થઈ રહ્યું છે તેના માટે પાકિસ્તાન જવાબદાર… MEA એ ઘણા મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












