ટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશમાં બસ પ્લેટફોર્મ પર ચડી જતા ત્રણ મુસાફર કચડાયા

Text To Speech

આંધ્રપ્રદેશ: વિજ્યવાડાના બસ સ્ટેન્ડમાં એકાએક બસ પ્લેટફોર્મ પર ચડી જતા 3 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત 6 નવેમ્બરે વિજયવાડાના પંડિત નેહરુ બસ ટર્મિનલ પર સર્જાયો હતો. જેમાં એક RTC બસ પ્લેટફોર્મ નંબર 12 સાથે અથડાઈ હતી અને ત્યાં ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બે લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે 18 મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વિજ્યવાડા બસ સ્ટેન્ડ પર બસ ધીમી ગતિએ આગળ વધી. પરંતુ એકાએક બેકાબૂ બની પ્લેટફોર્મની રેલિંગ તોડી નાખી. એ સમયે ત્યાં ખુરશી પર બેઠેલા લોકો બસની અડફેટે આવી ગયા હતા. મુસાફરોને ટક્કર માર્યા બાદ બસ આગળ વધીને સ્ટોલ આગળ થંભી ગઈ. આ દુર્ઘટના સર્જાતા બસ સ્ટેશનમાં લોકો આમતેમ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. જોકે, બસમાં 24 મુસાફરો હતા જે તમામ સુરક્ષિત છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પરિજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઘાયલોની તબીબી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ, APSRTCના વાઇસ ચેરમેન દ્વારકા તિરુમાલા રાવે સમગ્ર મામલે RTC અધિકારીઓ અને મુસાફરો સાથે વાત કરી. તેમણે આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: આસામ રાઇફલ્સના જવાનો દ્વારા મણિપુર પોલીસનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Back to top button