ICC T20 World Cup 2026: ‘અક્ષર પટેલ ખુશ નહોતો…’, ફાઈનલ પહેલા સૂર્યાએ ટીમ સિલેક્શનના ‘કઠોર’ નિર્ણયો પર તોડ્યું મૌન

નવી દિલ્હીઃ 8 માર્ચ, 2026: T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ સિલેક્શનને લઈને મહત્વના ખુલાસા કર્યા છે. ન્યુઝીલેન્ડ સામેના ખિતાબી જંગ પહેલા સૂર્યાએ જણાવ્યું કે ટીમમાં મુશ્કેલ નિર્ણયો લેવામાં તે અને હેડ કોચ ગૌતમ ગંભીર કેવી રીતે સાથે મળીને કામ કરે છે.
રણનીતિ માટે લેવા પડ્યા જોખમી નિર્ણયો
સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ મેનેજમેન્ટે અનેકવાર વ્યૂહાત્મક જોખમો ઉઠાવ્યા હતા, જે ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયા. ફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે.
અક્ષર પટેલને પડતો મૂકવાનો વિવાદ
કેપ્ટને ખાસ કરીને એ વિવાદાસ્પદ નિર્ણયનો ઉલ્લેખ કર્યો જેમાં સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા વાઇસ કેપ્ટન અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હકીકતમાં, નેધરલેન્ડ સામેની મેચમાં અક્ષરને આરામ આપીને વોશિંગ્ટન સુંદરને તક અપાઈ હતી અને મેનેજમેન્ટે મોટી મેચમાં પણ સુંદરને જ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યાએ સ્વીકાર્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે રણનીતિ અને પ્લેયર મેચ-અપને ધ્યાનમાં રાખીને લેવાયો હતો, પરંતુ અક્ષર પટેલ આ નિર્ણયથી ખુશ નહોતો.
‘ટફ કોલ’ કોણ લે છે? સૂર્યાનો જવાબ
શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ કહ્યું કે, “ટફ કોલ (અઘરા નિર્ણયો) હું અને ગૌતમ ગંભીર લઈએ છીએ. જ્યારે અક્ષરને પડતો મૂકવામાં આવ્યો ત્યારે તે ખુશ નહોતો, પરંતુ ક્રિકેટમાં આવું ચાલતું હોય છે. અમને લાગ્યું કે તે મેચમાં સંજૂ સેમસન અને સુંદરની જરૂર છે અને અમને તે નિર્ણય યોગ્ય લાગ્યો હતો.”
જોકે, આ દાવ ઉલટો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે ભારતને 76 રને હાર મળી હતી, જેમાં સુંદરે માત્ર બે ઓવર ફેંકી હતી અને બેટિંગમાં માત્ર 11 રન બનાવ્યા હતા.
અક્ષર પટેલનું શાનદાર કમબેક
હાર બાદ ઝિમ્બાબ્વે સામેની મેચમાં અક્ષરની વાપસી થઈ અને ત્યારથી તે સતત ટીમનો ભાગ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં અક્ષરે સાબિત કરી દીધું કે તે શા માટે મહત્વનો છે. તેણે ટોમ બેન્ટનની વિકેટ ઝડપી અને મેદાન પર ત્રણ અદભૂત કેચ પકડ્યા. ખાસ કરીને હેરી બ્રુક અને વિલ જેક્સના કેચ લઈને તેણે ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.












