ટ્રેન્ડિંગબિઝનેસ

IBM Stock Crash: CEO ના એક પત્રથી હલબલી ગયું અમેરિકન શેરબજાર, રોકાણકારોના ₹6.6 લાખ કરોડ સ્વાહા

IBM stock crash reasons: આઈટી ક્ષેત્રની દિગ્ગજ વૈશ્વિક કંપની IBM (આઈબીએમ) માં અત્યારે બધું બરાબર ચાલી રહ્યું નથી. યુએસ માર્કેટમાં તાજેતરમાં ટ્રેડિંગ દરમિયાન આ કંપનીના શેરમાં મોટો કડાકો બોલાયો છે. માત્ર એક જ દિવસમાં IBM ના શેરમાં ૨૫% થી વધુનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો છેલ્લા ચાર દાયકા (અંદાજે 40 વર્ષ) માં આવેલો સૌથી મોટો એકદિવસીય કડાકો છે, જેના કારણે રોકાણકારોને ભારે આંચકો લાગ્યો છે. બીજી ત્રિમાસિક ગાળા (Q2) ના નબળા અંદાજો અને કમાણીના અહેવાલો બાદ આ આંચકો જોવા મળ્યો છે.

એક જ ઝટકામાં ₹6.6 લાખ કરોડ સ્વાહા

IBM ના શેરમાં છેલ્લા કેટલાક સમયથી નરમાઈ જોવા મળી રહી હતી, પરંતુ મંગળવારે યુએસ શેરબજાર ખુલતાની સાથે જ શેર તૂટવાનો જે સિલસિલો શરૂ થયો તે છેક સુધી અટક્યો નહીં. દિવસના અંતે શેર 25.21 ટકાના રેકોર્ડબ્રેક કડાકા સાથે 217.07 ડોલર પર બંધ થયો હતો.

આઈટી સ્ટોકમાં આવેલા આ મોટા કડાકાના કારણે રોકાણકારોની અંદાજે 69 અબજ ડોલર (આશરે ₹6,64,601 કરોડ) ની સંપત્તિ પલકવારમાં સાફ થઈ ગઈ છે. કંપનીની માર્કેટ કેપ પણ 272.78 અબજ ડોલરથી ઘટીને સીધી 203.78 અબજ ડોલર પર આવી ગઈ છે. આ ઘટાડો 1987ના ઐતિહાસિક ‘બ્લેક મન્ડે’ કટોકટી દરમિયાન આવેલા ૨૩ ટકાના કડાકા કરતાં પણ મોટો છે.

IBM ની આ મંદીની ખરાબ અસર અન્ય મોટી સોફ્ટવેર કંપનીઓ પર પણ જોવા મળી હતી. માઇક્રોસોફ્ટ, સર્વિસનાઉ, સેલ્સફોર્સ અને ઇન્ટુઇટ જેવી કંપનીઓના શેરો પણ ૨% થી ૫% સુધી ઘટી ગયા હતા.

CEO નો એક પત્ર અને શેરબજારમાં કંપારી

IBM ના શેરમાં અચાનક આવેલા આ ધરખમ ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીના ભારતીય મૂળના CEO અરવિંદ કૃષ્ણા દ્વારા રોકાણકારોને લખાયેલો એક પત્ર છે. આ પત્રમાં તેમણે સ્વીકાર્યું હતું કે, “બીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને જે પરિણામો આવ્યા છે તે અમારી અપેક્ષા કરતાં પણ વધુ નબળા છે. અમે સમય અને બદલાતી પરિસ્થિતિ સાથે ઝડપથી તાલમેલ સાધવામાં નિષ્ફળ રહ્યા છીએ.”

CEO અરવિંદ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સની માંગમાં ભારે વધારો થવાથી સર્વર્સ, સ્ટોરેજ અને મેમરી ચિપ્સ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ કારણે ગ્રાહકોએ તેમના ટેકનોલોજી બજેટમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીને આ અંગે થોડી આશંકા હતી, પરંતુ ગ્રાહકો પોતાનો ખર્ચ સોફ્ટવેરથી હટાવીને આટલા મોટા પ્રમાણમાં એઆઈ હાર્ડવેર પાછળ વાળી દેશે તેનો અંદાજ નહોતો.

આ ઉપરાંત એન્થ્રોપિક (Anthropic) કંપનીના નવા એઆઈ મોડલ ‘મિથોસ’ (Mythos) ની રજૂઆતના કારણે પણ ગ્રાહકોમાં ચિંતા જોવા મળી છે. મિથોસ સોફ્ટવેરમાં રહેલી સુરક્ષા ખામીઓ સરળતાથી શોધી શકે છે, જેના કારણે ઘણી કંપનીઓએ સોફ્ટવેરના નવા સોદાઓ મોકૂફ રાખીને પોતાનું બજેટ સાયબર સિક્યોરિટી તરફ વાળ્યું છે. આ તમામ કારણોસર IBM ના અનેક મોટા વૈશ્વિક સોદાઓ અટકી પડ્યા છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ માતાજીના દર્શનનો સમય બદલાયોઃ અષાઢ સુદ બીજથી અંબાજી મંદિરનું નવું ટાઈમટેબલ

આ પણ વાંચોઃ સરખેજ-ધોળકા રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર, એકનું મોત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button