ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લગ્નના બીજા જ દિવસે હનીટ્રેપની મુખ્ય આરોપી યુવતી ઝડપાઈ: નરોડા પોલીસે ગોતામાંથી કરી ધરપકડ

અમદાવાદઃ 28 ઓક્ટોબર, 2025: Ahmedabad Honeytrap Case: વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલી મુખ્ય આરોપી યુવતીને આખરે નરોડા પોલીસે ઝડપી લીધી છે. યુવતીએ તાજેતરમાં જ લગ્ન કર્યા હતા અને તેના રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે તેની કથામાંથી ધરપકડ કરી લીધી હતી.

એક વર્ષથી હતી ફરાર:

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલની સૂચનાથી પોલીસે બાતમીના આધારે હિના ઉર્ફે જાનવી વડોદરાની અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ યુવતી તેના અન્ય સાગરિતો સાથે મળીને બે અલગ-અલગ વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાના કેસમાં વર્ષ 2024થી વોન્ટેડ હતી. પોલીસે અગાઉ તેના ત્રણ સાગરિતો – જયરાજસિંહ બોરીચા, વિજય સાગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી.

બે વેપારીઓને કેવી રીતે ફસાવ્યા?

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદો મુજબ, યુવતીએ વેપારીઓને ફસાવવા માટે જુદી જુદી ઓળખ આપી હતી. યુવતીએ શીતલ પટેલના નામે વૉટ્સઍપ મેસેજ કરીને રાજસ્થાનના રિયલ એસ્ટેટના વેપારીને નરોડા મળવા બોલાવ્યા હતા. ખરીદી બાદ રોડ પર અચાનક એક કારમાં આવેલા ત્રણ શખસોએ યુવતીને પોતાની પત્ની ગણાવીને, વેપારી વિરુદ્ધ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી. આરોપીઓએ વેપારીનું અપહરણ કરીને 1 લાખ રોકડા અને 2.40 લાખના દાગીના પડાવી લીધા હતા.

સુરતના વેપારીને ફસાવ્યો

આ સિવાય યુવતીએ શીતલ મહેતા તરીકે ઓળખ આપીને સુરતમાં રહેતા અને ન્યૂટ્રિશન પાવડરનો વેપાર કરતા વેપારીનો સંપર્ક કર્યો હતો. વજન ઉતારવાના બહાને પાવડર ખરીદવાની વાત કરીને વેપારીને મળવા બોલાવ્યો હતો. દહેગામ તરફ કેનાલ પાસે મળ્યા બાદ અચાનક ક્રેટા કારમાં આવેલા ત્રણ શખસોએ વેપારીના પાકીટમાં તપાસ કરી ડ્રગ્સ જેવી પડીકી કાઢી હતી. આરોપીઓએ વેપારીને ડ્રગ્સ ડીલર ગણાવી, ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 1 લાખની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા.

લગ્નના રિસેપ્શન પહેલાં ધરપકડ:

પોલીસને બાતમી મળી હતી કે, ફરાર યુવતીએ ગોતાના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે અને તેનું રિસેપ્શન યોજાવાનું છે. પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી અને યુવતીને તેના લગ્ન પછી યોજાયેલી કથા માંથી ઝડપી લીધી હતી. આ યુવતીનું રિસેપ્શન તેના લગ્નના બીજા જ દિવસે યોજાવાનું હતું.

આ પણ વાંચોઃ આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, જાણો કોને થશે ફાયદો

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણીઃ મહાગઠબંધને જાહેર કર્યો ‘તેજસ્વીનો પ્રણ પત્ર’, જૂની પેન્શન યોજના સહિત વૃદ્ધોને મળશે 3000

 

Back to top button