‘પ્રેમ સંબંઘમાં બાંધેલા શારીરિક સંબંધ દુષ્કર્મ નથી…’ હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ઉત્તર પ્રદેશઃ 13 સપ્ટેમ્બર, 2025: Allahabad Court Judgement: પ્રેમ સંબંધો અને શારીરિક સંબંધોને લગતા એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે જો મહિલા શરૂઆતથી જ જાણે છે કે સામાજિક કારણોસર લગ્ન શક્ય નથી, છતાં તે વર્ષો સુધી સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, તો તેને બળાત્કારની શ્રેણીમાં મૂકી ન શકાય.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે કોઈએ તેની વાત ન સાંભળી. ત્યાર બાદ, તેણે SC-ST સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. જોકે, સ્પેશિયલ કોર્ટે ફરિયાદને નકારી દીધી હતી અને કહ્યું હતું કે આમાં બળાત્કારનો કેસ દાખલ નથી થતો. આની વિરુદ્ધ, મહિલાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને ન્યાય માટે વિનંતી કરી.
બે લાખ રૂપિયા પાછા માંગવા બદલ કેસ દાખલ
આરોપી વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે પીડિતાએ પોતે પોલીસ સ્ટેશન અને એસપીને લેખિતમાં કહ્યું હતું કે તેને કોઈ કાર્યવાહીમાં રસ નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે આરોપીએ પીડિતાને આપેલા 2 લાખ રૂપિયા પાછા માંગ્યા ત્યારે તેણે ફરિયાદ નોંધાવી હતી.
સંમતિથી બાંધેલા સંબંધને દુષ્કર્મ ન કહેવાય
તમામ તથ્યો પર વિચાર કર્યા પછી, જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલની સિંગલ બેન્ચે પીડિતાની અરજી ફગાવી દીધી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જો કોઈ મહિલા સામાજિક કારણોસર લગ્ન શક્ય નથી તે જાણતા હોવા છતાં વર્ષો સુધી સંમતિથી સંબંધો રાખે છે, તો પછી તેને દુષ્કર્મ ન કહી શકાય.
આ પણ વાંચોઃ ₹5, ₹10, ₹20 ના પેક કેમ સસ્તા નહીં થાય? FMCG કંપનીઓએ કારણ જણાવ્યું
આ પણ વાંચોઃ ‘બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે શાંતિ અપનાવો’, પીએમ મોદીએ મણિપુરના સંગઠનોને શું અપીલ કરી?












