હેરાફેરી 3/ પરેશ રાવલનું પહેલું રિએક્શન, કહ્યું કે- ‘બધા મુદ્દાઓનું નિરાકરણ આવશે’

મુંબઈ, 25 મે 2025 : ‘હેરા ફેરી’ના ત્રીજા પાર્ટની ચાહકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ જ્યારે પરેશ રાવલના આ ફિલ્મમાંથી નીકળી ગયા હતા. જો કે વાત અહીં જ પૂરી ન થઈ. એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે, ફિલ્મમાંથી અચાનક હટી જવાના કારણે અક્ષય કુમારે તેમની સામે કેસ પણ કરી દીધો છે.
અક્ષય કુમારે પરેશ રાવલ પર કેસ કર્યો
અક્ષય કુમારે ‘હેરા ફેરી 3’ અચાનક છોડી દેવા બદલ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો કેસ કર્યો છે. અક્ષય પાસે આ ફિલ્મના રાઈટ્સ પણ છે અને પરેશના અચાનક ફિલ્મ છોડી દેવાથી તેને ઘણું આર્થિક નુકસાન પણ થયું છે. તેથી અભિનેતાએ પોતાના કો-સ્ટાર વિરુદ્ધ આટલો મોટો નિર્ણય લીધો. ડિરેક્ટર પ્રિયદર્શને થોડા સમય પહેલા કહ્યું હતું કે, હું અક્ષય કુમાર દ્વારા પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્ણયને સમર્થન આપું છું, કારણ કે અચાનક ફિલ્મ છોડવાથી અને પ્રોજેક્ટ ખરાબ કરવાના કારણે અક્ષયને પણ ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે પરેશ રાવલે ફિલ્મ છોડવા અંગે તેને કોઈ પણ જાણ નહોતી કરી. અક્ષયે આ ફિલ્મમાં પોતાના પૈસા લગાવ્યા છે અને આ જ કારણ હોઈ શકે છે કે તેણે પરેશ રાવલ સામે કેસ કર્યો છે.

પરેશ રાવલનો જવાબ
લાંબા સમય બાદ તેમણે અક્ષયની લીગલ નોટિસનો જવાબ આપ્યો છે. અભિનેતાએ પોતે જ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. પરેશ રાવલે X પર લખ્યું કે, ‘મારા વકીલ અમિત નાઈકે ફિલ્મમાંથી મારા બહાર નીકળવા અંગે જવાબ મોકલ્યો છે. એકવાર તે મારો જવાબ વાંચી લેશે તો તમામ મુદ્દા ઉકેલાઈ જશે. જ્યારે પરેશ રાવલના ‘હેરા ફેરી 3’ માંથી હટી જવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે અનેક કારણો આપવામાં આવ્યા હતા. જોકે, પરેશ રાવલે પોતે પોસ્ટ કરીને આ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે સર્જનાત્મક મતભેદોની વાતને નકારી કાઢી હતી. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ ‘હેરા ફેરી’માં પોતાના પાત્ર બાબુ રાવ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને આ પાત્રમાંથી મુક્તિ જોઈએ છે. બાબુ રાવનું પાત્ર ભજવતા મને ગૂંગળામણ થાય છે. બીજી તરફ કેટલાક અહેવાલો એવા પણ આવ્યા હતા કે અભિનેતાએ પોતાની ફીને કારણે ફિલ્મ છોડી દીધી છે.
આ પણ વાંચો : શું તમે ભાડાના મકાનમાં રહો છો? જાણો ભાડું બચાવવાની આ 5 રીતો












