ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાટણ-પાલનપુરમાં મેઘરાજાનું તોફાન: ઘૂંટણસમા પાણી, ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા

પાટણ: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે (13 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગત રોજ 12 ઓગસ્ટે બપોર બાદ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદના પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ—લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ—સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

પાટણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરના રેલવે ઓવરબ્રિજ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ગાયત્રી મંદિર પાછળ તેમજ ચિત્રકુટનગર, યોગેશ્વર પાર્ક અને શ્રીનગર સોસાયટીમાં વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. યોગેશ્વર પાર્ક સોસાયટીના ગેટ પાસે પાણી ભરાવાથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં તકલીફ પડી હતી. રહીશોએ નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અને કલેક્ટર પાસે તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે.

નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદમાં પાણી ભરાઈ જતાં રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો. ઘૂંટણસમા પાણીને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાલિકાની ખુલ્લી ગટરો પાટણવાસીઓ માટે ‘મરણપથારી’ સમાન સાબિત થઈ રહી છે. પાણીથી જળમગ્ન માર્ગ પર ખુલ્લી ગટર નજરે ન પડતાં એક વૃદ્ધ અચાનક ગટરમાં ખાબક્યા હતા. તેમને બચાવવા આગળ આવેલા એક સ્થાનિક યુવક પણ ગટરમાં પડી ગયા. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી ભારે મહેનતથી બંનેને બહાર કાઢી સુરક્ષિત બચાવી લીધા. સ્થાનિકોની સજાગતાને કારણે મોટી હોનારત ટળી હતી.

બનાસકાંઠા તરફ પાલનપુર-અંબાજી હાઈવે પર કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા છે. રામપુરા ચોકડી નજીક હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ધીમે વાહન ચલાવવાની ફરજ પડી હતી. પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી.

સાબરકાંઠા જિલ્લામાં સવારે ૬થી સાંજે ૪ વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મામાં ૩.૨૫ ઈંચ, વડાલીમાં ૩ ઈંચ, વિજયનગરમાં ૨ ઈંચ, ઈડરમાં દોઢ ઈંચ અને પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

નાગરિકોને સલાહ છે કે વરસાદી હવામાન દરમિયાન સાવચેતી રાખે, ખુલ્લી ગટરો અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહે અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: આગામી 48 કલાક અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Back to top button