ગુજરાતમાં ભારે વરસાદ, અરવલ્લીમાં 6.6 ઈંચ તથા કેટલાય ગામ સંપર્ક વિહોણા થયા

- ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યુ
- અરવલ્લીના ભિલોડામાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘમહેર જોવા મળે છે. પરંતુ, અનેક જગ્યાએ વરસાદ આફત બની રહ્યો છે. એવામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમા 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અરવલ્લીના ભિલોડામાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ
વલસાડના કપરાડામાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ધરમપુરમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે. વળી, દ્વારકામાં 4.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતના પલસાણામાં પણ 4.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભિલોડામાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નદીના નીરમાં નવી આવક થઈ છે. આ સિવાય ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. અરવલ્લીના મોડાસા બાજુ અચાનક પાણીની આવક થતા 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મોડાસા શહેર સહિત તાલુકાના 16 ગામડાઓ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય ધનસુરા તાલુકાના 13 તેમજ બાયડના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યુ
દક્ષિણ ગુજરાતના તાપીની વાત કરીએ તો તાપીના વ્યારામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વ્યારાના જેતપુર મેદાવને જોડતો લો લેવલ કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે વ્યારામાં 10, વાલોડના 2, સોનગઢના 11 અને ડોલવણના 2 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. તાપીમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: લાફા કાંડમાં AAP ધારાસભ્યની ધરપકડ બાદ દેડીયાપાડામાં કલમ 144 લાગુ












