ગુજરાત

ગોંડલમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કૂવામાં પડી જતાં 8 માસની ગર્ભવતી મહિલાનું મોત, બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી

ગોંડલ 14 ફેબ્રુઆરી 2026: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં મોવિયા-શિવરાજગઢ રોડ પર એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા એક શ્રમિક પરિવારની 24 વર્ષીય પરણીતાનું કૂવામાં પડી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાની સાથે તેના ગર્ભમાં રહેલા 8 માસના માસૂમ બાળકનું પણ મોત થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા 8 વર્ષથી ગોંડલ પંથકમાં રહીને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ મોવિયા-શિવરાજગઢ રોડ પર આવેલી એક વાડીમાં 24 વર્ષીય લક્ષ્મીબેન સુનિલભાઈ ભાભોર અચાનક કોઈ કારણોસર કૂવામાં ખાબક્યા હતા. લક્ષ્મીબેન 8 માસના ગર્ભવતી હોવાથી તેમને બચાવવાની તક મળે તે પહેલા જ ગૂંગળામણ અને ઈજાઓને કારણે તેમનું અને ગર્ભમાં રહેલા બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારમાં શોકનું મોજું

આ દુર્ઘટનાને પગલે પતી સુનિલભાઈ સહિત પરિવારના સભ્યો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક લક્ષ્મીબેનને સંતાનમાં બે નાની દીકરીઓ છે. આ માસૂમ બાળકીઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા વાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. જે પરિવારમાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં આજે માતમ છવાઈ ગયો છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ગર્ભવતી મહિલાનું મોત હોવાથી અને કેસની ગંભીરતા જોતા, વધુ તપાસ અને ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: ધમકી અને ખંડણીનો મામલો: હિમાંશી ખુરાનાને મળેલી ધમકીએ મચાવ્યો ખળભળાટ

Back to top button