રાહુલ ગાંધીના ‘એપસ્ટીન ફાઈલ’ આરોપો પર હરદીપ સિંહ પુરીનો વળતો પ્રહાર; મુલાકાત પાછળનું સત્ય જણાવ્યું

નવી દિલ્હી: 11 ફેબ્રુઆરી, 2026: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ‘એપસ્ટીન ફાઈલ’ (Epstein Files) ના સંદર્ભમાં લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પુરીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને સંસદમાં પાયાવિહોણા આરોપો લગાવવાની જૂની આદત છે અને આ તેમની ગંભીરતાનો અભાવ દર્શાવે છે.
સંસદમાં આરોપ અને ‘મનોરંજન’
હરદીપ પુરીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, “એક યુવા નેતાએ સંસદમાં કંઈક કહ્યું છે. તેમને કોઈ પણ આધાર વગર આરોપ લગાવવાની આદત છે. રાજનીતિમાં બે પ્રકારના નેતા હોય છે: એક જે દેશને દસમીથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવે છે, અને બીજા એવા જે અવારનવાર વિદેશ પ્રવાસે જાય છે અને સંસદમાં બીજાની વાત સાંભળવાને બદલે ભાષણ આપીને ચાલ્યા જાય છે.”
2013નો વટહુકમ અને બંધારણ પર ટોણો
મંત્રીએ રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા 2013ની એ ઘટના યાદ અપાવી જ્યારે રાહુલે સાર્વજનિક રીતે વટહુકમ ફાડી નાખ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, જે નેતાઓ બંધારણની કોપી લહેરાવી રહ્યા છે, તેમને એ પણ નથી ખબર કે તે કયા બંધારણની કોપી છે. પુરીએ ઉમેર્યું કે રાહુલ ગાંધીએ ભારતને ‘ડેડ ઇકોનોમી’ કહીને પોતાની અજ્ઞાનતા સાબિત કરી છે.
એપસ્ટીન મુલાકાત પર સ્પષ્ટતા
જેફરી એપસ્ટીન સાથેના કનેક્શન પર સ્પષ્ટતા આપતા પુરીએ કહ્યું કે, આ મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે તેઓ ન્યૂયોર્કમાં ભારતના રાજદૂત હતા. તેઓ ‘ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ’ (IPI) ના પ્રતિનિધિમંડળના ભાગરૂપે મળ્યા હતા. એપસ્ટીન સાથેના તેમના ઇમેઇલ વ્યવહાર માત્ર ભારતની આર્થિક પ્રવૃત્તિઓ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવા વિષયો પૂરતા મર્યાદિત હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો સંપર્ક લિંક્ડઈનના સ્થાપક રીડ હોફમેન સાથે વ્યાવસાયિક સ્તરે હતો.
સંસદમાં આંખ મારીને કરેલી વાત
પુરીએ એક રસપ્રદ ખુલાસો કરતા કહ્યું કે, 26 નવેમ્બર 2025ના રોજ બંધારણ દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી તેમની પાસે આવ્યા હતા અને આંખ મારતા કહ્યું હતું કે, “તમારું નામ એક રસપ્રદ જગ્યાએ આવ્યું છે.” પુરીએ તેમને સત્ય જાણવા માટે નોટ્સ પણ મોકલી હતી, પરંતુ છતાં રાહુલે સંસદમાં તે મુદ્દાને ખોટી રીતે રજૂ કર્યો.












