રાહુલ ગાંધીના કાફલામાં અકસ્માત, પૂર્વાંચલ એક્સપ્રેસ પર થઈ દુર્ઘટના
ઉત્તર પ્રદેશમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કાફલાની અનેક ગાડીઓ પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એકબીજા સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓ અને સુરક્ષા સાથે સંકળાયેલા કેટલાક લોકો ઘાયલ થયા છે. જોકે, રાહુલ ગાંધી સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 91મા કિલોમીટરના માઇલસ્ટોન નજીક થયો હતો. રાહુલ ગાંધીના કાફલામાં સામેલ પાંચ ગાડીઓ અને એક એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘાયલોની સ્થિતિ અને ઘટનાની સંપૂર્ણ વિગતો અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
લખનૌથી સુલતાનપુર જતી વખતે અકસ્માત
રાહુલ ગાંધી આજે લખનૌથી સુલતાનપુર જઈ રહ્યા હતા. સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં તેમની સામેના માનહાનિના કેસમાં સુનાવણી અને ચુકાદાની પ્રક્રિયા માટે તેઓ હાજર થવાના હતા. આ દરમિયાન રસ્તામાં તેમના કાફલાને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
શું છે આઠ વર્ષ જૂનો માનહાનિનો કેસ?
આ સમગ્ર મામલો વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણી સાથે જોડાયેલો છે.
આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવીને સુલતાનપુરના ભાજપના નેતા વિજય મિશ્રાએ 4 ઑગસ્ટ, 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો આરોપ હતો કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી અમિત શાહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2024માં કોર્ટમાં હાજર થયા હતા રાહુલ ગાંધી
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ રાહુલ ગાંધી 20 ફેબ્રુઆરી, 2024ના રોજ સુલતાનપુરની કોર્ટમાં હાજર થયા હતા. તેમણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવી પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
આગળની કાર્યવાહી દરમિયાન સાક્ષીઓ, પુરાવાઓ અને બંને પક્ષોની દલીલોને આધારે કેસની સુનાવણી આગળ વધી હતી. અહેવાલ મુજબ, 26 ઑક્ટોબર, 2026ના રોજ આ કેસમાં ચુકાદો જાહેર કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી અને રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરી નિર્ધારિત હતી.
આ પણ વાંચો: જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થીઓના આંદોલનનો અંત! વહીવટીતંત્રે સ્વીકારી મુખ્ય માગણીઓ












