
Congress Slams MHA Decision Jantar Mantar Ban: સોમવાર, 12 ઓક્ટોબર 2026 ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નવા આદેશને પગલે દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ગૃહ મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવા માટેના અધિકૃત સ્થળોની યાદીમાંથી ઐતિહાસિક જંતર-મંતરને દૂર કરી દીધું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર સીધા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે સરકાર લોકશાહી ઢબે થતા શાંતિપૂર્ણ આંદોલનો અને વિરોધ પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
‘પીએમ અને ગૃહમંત્રીની જોડી ગભરાયેલી છે’
કોંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને સરકાર સામે મોરચો મંડ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ઐતિહાસિક જંતર-મંતર હવે એવું સ્થળ નહીં રહે જ્યાંથી આપણી લોકશાહીને દરરોજ નવી ઊર્જા અને તાકાત મળતી હતી. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે પીએમ અને ગૃહમંત્રીની જોડી અંદરથી કેટલી હદે નર્વસ અને ગભરાયેલી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ જોડી ચારેય તરફથી ઘેરાયેલી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં શાંતિપૂર્ણ જાહેર પ્રદર્શનોને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા છે.
ચરણજીત ચન્ની અને ગૌરવ ગોગોઈના તીખા પ્રહારો
ગૃહ મંત્રાલયના આ આદેશ સામે કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, “આજે તેમણે વિરોધ પ્રદર્શનના સ્થળોની યાદીમાંથી જંતર-મંતર હટાવી દીધું છે, કાલે તેઓ એવું કહેશે કે તમે દિલ્હીમાં પ્રવેશ પણ કરી શકતા નથી, જાણે દિલ્હી તેમના બાપની મિલકત હોય.” બીજી તરફ, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) હવે ડરી ગઈ છે અને તેમને ખ્યાલ આવી ગયો છે કે તેમનું સિંહાસન હવે વધુ સમય સુધી સુરક્ષિત નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હવે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે 3 નવા વૈકલ્પિક સ્થળો નક્કી કરાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, નવી દિલ્હીના હૃદયસમા જંતર-મંતરને સત્તાવાર આંદોલન સ્થળ તરીકે રદ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો અને આંદોલનો યોજવા માટે હવે 3 વૈકલ્પિક સ્થળો નિયત કરવામાં આવ્યા છે:
રામલીલા મેદાન (મધ્ય દિલ્હી)
બુરારી મેદાન (ઉત્તર દિલ્હી)
સીબીડી ગ્રાઉન્ડ (પૂર્વ દિલ્હી)
સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: નેહા અને પ્રિયંકાની ઢાલ બન્યા રાહુલ ગાંધી, વિપક્ષની પગપાલા યાત્રામાં જામી જોરદાર ભીડ












