ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Weather: ગુજરાતમાં વરસાદની વિદાય, શિયાળાની દસ્તક

અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2025: ગુજરાતમાં હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે આગામી સાત દિવસની હવામાન આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને રાજ્યભરમાં હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચકાઈ શકે છે, જેનાથી ભેજવાળી ગરમી (બફારો)નો અનુભવ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવેમ્બરમાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડું નવેમ્બરમાં ત્રાટકશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ મહિનામાં ત્રણ હવામાન પેટર્ન જોશું. જેમાં વરસાદ, તોફાન અને ઠંડી. નવેમ્બરમાં નવું ચક્રવાત ત્રાટકશે. જેથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.14 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા સરેરાશ વરસાદ ખાબક્યો છે. આ તરફ સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 123.26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

ગુજરાતમાં 16 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 137 તાલુકા એવા છે જ્યાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો છે. 98 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ IPO દ્વારા ભંડોળ એકઠું કરવામાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને: $14.2 અબજનું ભંડોળ એકઠું થયું

Back to top button