
અમદાવાદ, તા. 13 નવેમ્બર, 2025: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, આ વખતે ક્લાઈમેટ ચેન્જને કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારના સમયે આહલાદક ઠંડીનો અહેસાસ થાય છે, પણ બપોર થતાં જ ફરીથી ગરમી પડવા લાગે છે. હવામાનના આ અચાનક બદલાવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે અને બીમાર થવાના કેસ વધી રહ્યા છે. હાલ વાયરલ શરદી, ઉધરસ, શ્વાસોશ્વાસની તકલીફોથી માંડીને હૃદયરોગનું જોખમ પણ વધ્યું છે.
રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 4થી 5 ડિગ્રી ઓછું નોંધાયું છે. તાપમાનમાં બદલાવ સાથે હવામાન વધુ સુકુ બન્યું છે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ઘટીને 30થી 40 ટકા આસપાસ રહે છે, જેના કારણે લોકોને ત્વચા સુકાતી હોવાનો અહેસાસ થાય છે. આનાથી ચર્મરોગની શક્યતાઓ પણ વધે છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર જોકે, આ સૂકું વાતાવરણ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અગાઉ માવઠામાં ભીંજાયેલી મગફળી સહિતની કૃષિ જણસીઓ જો ઉગી ન નીકળી હોય, તો આ સુકી હવામાં તે ઝડપથી સુકાઈને બજારમાં વેચાણ માટે તૈયાર થઈ જશે.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 16થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે. 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.












