વલસાડના કપરાડામાં આચાર્યનો આપઘાત: ઓનલાઈન કામ અને BLOના અતિશય ભારણથી તંગ આવી ગળેફાંસો ખાધો

Valsad School Principal Suicide Case: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી નિલોશી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય) શંકર જાધવે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઓનલાઈન કામગીરી અને ચૂંટણીલક્ષી (BLO) કામના અતિશય ભારણને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસે સ્થળ પર પહોંચી એક ભાવુક સ્યુસાઇડ નોટ કબજે કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
“કામનું ભારણ સહન ન થયું, મને માફ કરજો”
મૃતક આચાર્યએ આપઘાત કરતા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાની દર્દનાક વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઓનલાઈન કામગીરીના વધુ પડતા ભારણ અને સતત માનસિક તણાવને કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણયમાં તેમના પરિવાર કે શાળાના અન્ય શિક્ષકોનો કોઈ વાંક નથી. તેમણે સ્યુસાઇડ નોટમાં પરિવારના સભ્યોને સંબોધીને બાળકોના અભ્યાસનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી અને એક પછી એક આવતી શાળાકીય તેમજ ચૂંટણીલક્ષી કામગીરીના ભારણથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
આચાર્યના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપાયો
કપરાડાના TDO એ ઝેડ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 53 વર્ષીય શંકરભાઈ જાદવ મૂળ ડીવસી ટોકરપાડા (ખડિયા) ના રહેવાસી હતા. તેઓએ સવારે 8:30 કલાકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનો અહેવાલ તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કપરાડા સીએચસી ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરાવીને તેને અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી. બી. વસાવાએ જણાવ્યું હતું કે, શંકરભાઈ જાદવ છેલ્લા 28 વર્ષથી નિલોસી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. તેમણે ઉમેર્યું કે, આચાર્યએ અગાઉ કામના ભારણ અંગે વિભાગને કોઈ સત્તાવાર રજૂઆત કે ફરિયાદ કરી નહોતી. શિક્ષણ વિભાગની વિશેષ ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને શાળાના અન્ય શિક્ષકોની પૂછપરછ કરીને સાચું કારણ જાણવા પ્રયાસ કરાશે, જેથી પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ તપાસ બાદ આપઘાતનું આખરી કારણ સ્પષ્ટ થશે
હાલમાં કપરાડા પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. શિક્ષકો પર ઓનલાઈન ડેટા એન્ટ્રી અને ગેર-શિક્ષણ કામગીરીના વધી રહેલા બોજ અંગે શિક્ષણ વર્તુળોમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મુજબ, PM રિપોર્ટ અને વિગતવાર પૂછપરછ પૂર્ણ થયા બાદ જ આપઘાત પાછળના જવાબદાર પરિબળો અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: અમદાવાદ: ગેસ્ટ્રો હોસ્પિટલમાં તપાસના બહાને IIM ની વિદ્યાર્થિનીની છેડતી, ડોક્ટરની ધરપકડ











