Weather: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

IMD Rain Alert: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, હજુ પણ કેટલાક જિલ્લાઓમાં સવારે ઠંડી અને બપોર બાદ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીને પગલે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. બાગાયતી ખેતીમાં રોકાયેલા ખેડૂતો ખાસ કરીને ચિંતિત છે. કેરીનો પાક હાલમાં પાકવાના તબક્કામાં છે. આ સમયે હવામાનમાં ફેરફાર કેરીના પાકને સંભવિત નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 28, 2026
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે. કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતોએ સાવધાની રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન બદલાવાની શક્યતા છે.

હવામાન વિભાગે પણ કરી આગાહી
રાજ્યમાં ગયા અઠવાડિયાથી હવામાન બદલાયું છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં, વાદળછાયું વાતાવરણ વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારનો સંકેત આપ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી છૂટાછવાયા હળવો વરસાદ થવાની સંભાવના છે. આનાથી તાપમાનમાં પણ ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ગુજરાતમાં હવામાનમાં ફેરફારના સંકેતો
હવામાન વિભાગની આગાહી મુજબ, બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં હવામાનમાં ફેરફારનો સંકેત આપી રહી છે. આ બે સિસ્ટમોની તાકાત કમોસમી વરસાદની માત્રા પર આધાર રાખે છે. જો સિસ્ટમ મજબૂત રીતે આગળ વધે છે, તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનું જોખમ છે. જોકે, જો સિસ્ટમ નબળી પડે છે, તો વાદળછાયા વાતાવરણમાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
આ જિલ્લાઓમાં થશે માવઠું
હવામાન વિભાગ (IMD)એ સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરી છે, આવતીકાલે (30 માર્ચે 2026) બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો અનુભવ સૌથી વધુ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભાવનગરમાં યુવકની સરજાહેર હત્યા, છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધુ












