ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Crime: ભાવનગરમાં યુવકની સરજાહેર હત્યા, છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધુ

Bhavnagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. લોકોમાં સુરક્ષાની લાગણી ઓછી થતી જણાઈ રહી છે અને પોલીસનો ભય પણ ઘટતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુકડ ગામમાં 28 માર્ચની રાત્રે એક 29 વર્ષીય યુવાનની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

મૃતકની ઓળખ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા તરીકે થઈ છે. અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કરી યુવકના પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વરતેજ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કાબૂમાં લઈને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને આગળની કાર્યવાહી માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરુ કરી દીધી છે.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રસ્તા પરથી પસાર થતાં એક કારચાલકે સમગ્ર બનાવ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે યુવકની મોપેડ રસ્તા વચ્ચે પડી છે અને ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઘટના સમયે હાજર એક સ્થાનિક વ્યક્તિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં હુમલાખોરોએ રોકાયા વગર વારંવાર ઘા મારી યુવકને લોહીલુહાણ કરી દીધો હતો અને બાદમાં તેઓ મોપેડ પર સવાર થઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ ઉભો કર્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Back to top button