ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં 13 વર્ષીય બાળકીના મોત કેસમાં 2 વર્ષ પછી સણસણતો ખુલાસો: DNA ટેસ્ટમાં સાવકો પિતા જ નીકળ્યો હવસખોર

Surat Teen Death Case: સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન 2024 માં 13 વર્ષીય સગીરાના બીમારીના કારણે થયેલા શંકાસ્પદ મોત કેસમાં 2 વર્ષ બાદ અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે બાળકીના મોત પહેલાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે હાથ ધરેલી સઘન વૈજ્ઞાનિક તપાસમાં બાળકીનો 45 વર્ષીય સાવકો પિતા જ આ જધન્ય કૃત્યનો ગુનેગાર હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જૂન 2024 માં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો

ઘટનાની વિગતો મુજબ, 8 જૂન 2024 ના રોજ મૃતક સગીરાના ભાઈએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી હતી કે તેની બહેનને અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વિસેરા અને અન્ય નમૂનાઓ એકત્ર કરી વધુ તપાસ માટે FSL માં મોકલી આપવામાં આવ્યા હતા.

ફોરેન્સિક PM રિપોર્ટમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ધડાકો

બનાવના 2 વર્ષ બાદ નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ તરફથી ફાઇનલ ‘કોઝ ઓફ ડેથ’ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, બાળકીનું મોત ફેફસાની બીમારીથી થયું હતું, પરંતુ તેના ગુપ્ત ભાગો પર બળજબરીપૂર્વકના શારીરિક અત્યાચારના નિશાન અને સીમેનના અવશેષો મળી આવ્યા હતા. બીમારીથી પીડાતી લાચાર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સાબિત થતાં પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.

પોલીસે શંકાસ્પદ સાવકા પિતાનું DNA સેમ્પલ લીધું

તપાસ દરમિયાન મૂળ ફરિયાદ કરનાર ભાઈ નેપાળ જતો રહ્યો હોવાથી પોલીસ સંપર્કવિહોણી બની હતી. આમ છતાં, અઠવાલાઇન્સ પોલીસે બાળકીની શાળા, ચોટા બજારની દુકાનો અને પરિવારે વર્ષ 2024 થી બદલેલા તમામ મકાનોની મુલાકાત લીધી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે સગીરાનો 45 વર્ષીય સાવકો પિતા તેની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો અને ઘરમાં નશાની લતના કારણે રોજ ઝઘડા થતા હતા. આ શંકાના આધારે પોલીસે સાવકા પિતાને અટકાયતમાં લઈ તેના DNA સેમ્પલ લીધા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

100 ટકા DNA મેચ થતાં કળયુગી પિતા જેલહવાલે

સુરત શહેર ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, FSL તપાસમાં મૃતક બાળકીના શરીરમાંથી મળેલા સેમ્પલ સાથે સાવકા પિતાનું DNA 100 ટકા મેચ થઈ ગયું છે. આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાના આધારે પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શરમજનક ઘટના: કિડની બિલ્ડિંગમાં યુવતીની છેડતી કરનાર વૃદ્ધને લોકોએ ધોઈ નાખ્યો

Back to top button