Surat New Civil Hospital Controversy: સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં અવારનવાર વિવિધ વિવાદો સામે આવતા રહે છે, ત્યારે આજે ફરી એકવાર અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્પિટલના કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક વૃદ્ધે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ થતાં સમગ્ર પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રોષે ભરાયેલા ટોળાએ વૃદ્ધને જાહેરમાં જ મેથીપાક ચખાડી દીધો હતો, જેના કારણે હોસ્પિટલમાં થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી.
કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અડપલાં કરવાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, નવી સિવિલ હોસ્પિટલ સ્થિત કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર 1 યુવતી ઊભી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વૃદ્ધે તેની નજીક જઈને અડપલાં કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ જવાના બદલે યુવતીએ તાત્કાલિક બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો હતો. યુવતીનો અવાજ સાંભળીને આસપાસ હાજર દર્દીઓના સગાઓ, હોસ્પિટલ સ્ટાફ અને અન્ય મુલાકાતીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રોષે ભરાયેલા લોકોએ કાયદો હાથમાં લીધો
યુવતી સાથે છેડતી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાતાં જ ત્યાં એકઠા થયેલા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. લોકોએ આવેશમાં આવીને કાયદો હાથમાં લીધો હતો અને છેડતી કરનાર વૃદ્ધને સ્થળ પર જ જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો હતો. બિલ્ડિંગમાં અચાનક બૂમાબૂમ અને ભાગદોડનો માહોલ સર્જાતાં જ સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને વણસતી અટકાવીને વૃદ્ધને લોકોના ટોળામાંથી છોડાવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
આ સમગ્ર મામલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે વૃદ્ધને તાબે લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. જાહેર સ્થળે અને તેમાં પણ હોસ્પિટલ જેવા અત્યંત સંવેદનશીલ પરિસરમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાની આ ઘટનાથી ભારે ચિંતા ઉપજી છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, જેને પગલે હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: દિલ્હી હોસ્ટેલ દુર્ઘટના બાદ અમદાવાદમાં PG પર તવાઈ, પોલીસ-AMCનું શહેરવ્યાપી વેરિફિકેશન












