ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મધ્યાહન ભોજન યોજના સંકટમાંઃ 38 લાખ બાળકોની થાળી ફિક્કી, સંચાલકો સ્વખર્ચે ચલાવી રહ્યા છે કેન્દ્ર

Gujarat News:  રાજ્યની સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર ગંભીર સંકટમાં આવી ગઈ છે. છેલ્લા બે મહિનાથી દાળ-કઠોળનો જથ્થો અને ભોજનની ગ્રાન્ટ ન મળતા અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓના પોષણ પર સીધી અસર પડી રહી છે. મળતી માહિતી મુજબ એપ્રિલ અને મે મહિનાની ગ્રાન્ટ હજુ સુધી સંચાલકોને ચૂકવાઈ નથી. સાથે જ તુવેર દાળ, ચણા અને અન્ય કઠોળનો પુરવઠો પણ અટવાઈ ગયો છે. આ કારણે શાળાઓમાં માત્ર ભાત અથવા મર્યાદિત મેનુ આપવામાં આવી રહ્યું છે અને પોષણયુક્ત આહારનો અભાવ સર્જાયો છે. આ કારણે અલ્પાહાર યોજના પણ અસરગ્રસ્ત બની છે

સંચાલકો પર આર્થિક ભાર, પોતાના પૈસે કરાવે છે ભોજન

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ન્યારા ગામની શાળાના સંચાલકોએ જણાવ્યું કે સરકાર દ્વારા એડવાન્સ ગ્રાન્ટ ન મળતા તેઓ પોતાના ખર્ચે મધ્યાહન ભોજન ચલાવવા મજબૂર બન્યા છે. સંચાલકોના જણાવ્યા મુજબ વિદ્યાર્થી દીઠ ₹5 ભોજન અને ₹5.88 અલ્પાહાર માટે આપવામાં આવે છે. વર્તમાન ખર્ચ મુજબ આ રકમ પૂરતી નથી. સરકારનું એડવાન્સ ફંડિંગ પણ નિયમ મુજબ મળતું નથી

33,000 કરતા વધુ કેન્દ્રોમાં અસર, 29,000 શાળાઓમાં અલ્પાહાર યોજના પણ ખોરવાઈ

માહિતી અનુસાર ગુજરાતમાં લગભગ 33,000 મધ્યાહન ભોજન કેન્દ્રો, 29,000થી વધુ શાળાઓમાં અલ્પાહાર યોજના ચાલે છે, પરંતુ હાલ ગ્રાન્ટ અને પુરવઠાની અછતને કારણે મોટા ભાગની શાળાઓમાં સ્થિતિ ગંભીર બની છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્ડર બહાર ન પાડવામાં આવતાં દાળ અને કઠોળનો જથ્થો ખૂટી ગયો છે. બાળકોને પ્રોટીનયુક્ત આહાર મળતો નથી અને મેનુમાં ઘટાડો કરવો પડ્યો છે

ઈસકી ટોપી ઉસ કે સર

આ મુદ્દે સૌથી મોટો વિવાદ એ છે કે પુરવઠા વિભાગ કહે છે કે આ શિક્ષણ વિભાગનો વિષય છે. શિક્ષણ વિભાગ કહે છે કે આ જવાબદારી પુરવઠા વિભાગની છે. આ રીતે બંને વિભાગો વચ્ચે જવાબદારી એકબીજા પર ઢોળવાની વાત ચાલી રહી છે, જ્યારે અસર સીધી વિદ્યાર્થીઓના ભોજન પર પડી રહી છે.

સંચાલકોની ચેતવણી: સેવા બંધ થઈ શકે

PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ગ્રાન્ટ ચૂકવવામાં નહીં આવે અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં થાય તો રાજ્યભ રમાં મધ્યાહન ભોજન અને અલ્પાહાર સેવા બંધ કરવાની ફરજ પડશે.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : વિમાન અકસ્માતના 1 વર્ષ બાદ આવશે તપાસ રિપોર્ટ
Back to top button