ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Gujarat Rains: છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન, સુરત જળબંબાકાર

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2025: ગુજરાતમાં ચોમાસાની વિદાયની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 30 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

સુરત શહેરમાં 2.76 ઇંચ, નવસારીમાં2.01 ઇંચ, જલાલપોરમાં 1.54 ઇંચ, વાપીમાં 0.83 ઇંચ, ઉમરપાડામાં 0.79 ઇંચ, કામરેજમાં 0.67 ઇંચ, બારડોલીમાં 0.63 ઇંચ, પલસાણામાં 0.51 ઇંચ, ગણદેવીમાં 0.51 ઇંચ, વ્યારામાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતમાં બે કલાકમાં જ અઢી ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.શહેરના વરાછા, વેસુ, અઠવા, અડાજણ, કતારગામમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદની સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમા 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. નવરાત્રિ પણ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, એટલે કે પહેલા જ નોરતે ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોડા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

રાજ્યમાં સિઝનનો કુલ 108.47 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.21 ટકા, સૌરાષ્ટ્રમાં 93.94 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.42 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાનો 93.16 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 91.98 ટકા જળસંગ્રહ છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 114 છે. 145 ડેમ હાઇ એલર્ટ પર અને 12 ડેમ એલર્ટ પર છે.

Back to top button