ગુજરાતટ્રેન્ડિંગ

Gujarat Poltics: ડભોડામાં ભાજપને ફટકો, 20 કાર્યકરોએ કેસરિયો છોડી પંજો પકડ્યો

અમદાવાદ, તા. 29 સપ્ટેમ્બર, 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. આ પહેલા ભાજપને ડભોડામાં મોટો ફટકો લાગ્યો હતો. 20 કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આ કાર્યકર્તાઓએ ડભોડા જિલ્લા પંચાયતની બેઠક હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ‘સંગઠન સુજન અભિયાન’ કાર્યક્રમમાં વિધિવત રીતે ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

લવારપુર નજીકની એક હોટલમાં યોજાયેલો આ કાર્યક્રમ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો. આ જોડાણ અંગે એક કાર્યકર્તાએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, “ભાજપમાં માત્ર વ્યક્તિગત કામો જ થઈ રહ્યા છે, સામાન્ય કાર્યકરોને અવગણવામાં આવે છે.”

ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી પણ જોડાયા

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને કોંગ્રેસના અગ્રણી નેતા હિમાંશુ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે, કુલ ૨૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે જે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, તેમાં અડધોઅડધ એટલે કે દસ જેટલા કાર્યકરો પાટીદાર સમાજના છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસે ડભોડા ભાજપમાં જે ગાબડું પાડ્યું, તેની ગંધ સુદ્ધાં જિલ્લા ભાજપના આગેવાનોને આવી નહોતી. કોંગ્રેસના આ ઓપરેશનથી જિલ્લા ભાજપના નેતાઓ અંધારામાં રહી ગયા હતા. ડભોડા વિસ્તારમાં ભાજપ માટે આ એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવે છે.

Back to top button