ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને બોમ્બથી ઉડાવવાની ધમકી, મુંબઈના મેયરને મળ્યો ઈમેલ

Amitabh Bachchan Bomb Threat: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે હવે મહાનાયક અમિતાભ બચ્ચન અને જાણીતા પંજાબી ગાયક તથા અભિનેતા દિલજીત દોસાંઝને બોમ્બ હુમલાની ધમકી મળ્યાના અહેવાલો સામે આવ્યા છે. મુંબઈનાં મેયર રિતુ તાવડેની ઓફિસને મળેલા ધમકીભર્યા ઈમેલમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન અને દિલજીત દોસાંઝના કાર્યક્રમને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈની કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલા પર હુમલાની ધમકી

મળતી માહિતી અનુસાર, મુંબઈનાં મેયર રિતુ તાવડેની ઓફિસને મોકલવામાં આવેલા ઈમેલમાં અમિતાભ બચ્ચનના જુહુ વિસ્તારમાં આવેલા જાણીતા ‘જલસા’ બંગલાને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. જોકે અન્ય અહેવાલોમાં 31 ઓક્ટોબરના રોજ ગ્રેનેડ હુમલાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઈમેલની વિગતો અને તેની વિશ્વસનીયતાની તપાસ હાથ ધરી છે. ઈમેલ મોકલનારે આ કથિત હુમલાને વર્ષ 1984ના ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખવિરોધી રમખાણો સાથે જોડીને બદલો લેવાની વાત કરી છે. જોકે ઈમેલમાં કરવામાં આવેલા આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આત્મઘાતી હુમલાની ચેતવણી

ધમકીભર્યા ઈમેલમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલ મોકલનારે 27 નવેમ્બરે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારા દિલજીતના કાર્યક્રમમાં બોમ્બ વિસ્ફોટ અને આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી હોવાનો અહેવાલ છે. ઈમેલમાં દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કર્યા હોવાની ઘટનાનો ઉલ્લેખ કરીને તેમને નિશાન બનાવવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે.

ધમકીભર્યા ઈમેલમાં ખાલિસ્તાન સમર્થક સંગઠનોનો ઉલ્લેખ

મીડિયા અહેવાલો અનુસાર ઈમેલમાં ખાલિસ્તાન સમર્થક સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસા જેવા સંગઠનોનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેલ મોકલનારે 1984ના શીખવિરોધી રમખાણોને લઈને બદલો લેવાનો દાવો કર્યો છે. જોકે ઈમેલ મોકલનારની ઓળખ અને કોઈ સંગઠન સાથે તેનો વાસ્તવિક સંબંધ છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. પોલીસ આ ધમકી પાછળ કોઈ સંગઠિત કાવતરું છે કે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે દિશામાં તપાસ કરી રહી છે.

મુંબઈની ચાર શાળાઓને પણ બોમ્બની ધમકી

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને નિશાન બનાવવાની ચેતવણી વચ્ચે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી અંદાજે ચાર શાળાઓને પણ શુક્રવારે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાના અહેવાલ છે. શાળા સંચાલકોએ પોલીસને જાણ કરતાં સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સંબંધિત શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ ઘટનાને કારણે શાળાઓમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઈમેલ મોકલનારને શોધવા માટે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસે તપાસ બાદ શું કહ્યું?

મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ સંબંધિત સ્થળોએ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ઝોન-1ના ડીસીપી મનીષ કલવાનિયાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી નથી. જોકે ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે જાણવા તપાસ ચાલુ રાખવામાં આવી છે.

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ બાદ નવી ધમકીથી ચિંતા

તાજેતરમાં મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે બોલિવૂડની વધુ બે જાણીતી હસ્તીઓને નિશાન બનાવવાની ધમકી મળતાં સુરક્ષા અંગે ચિંતા વધી છે. જોકે ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ અને હાલના ધમકીભર્યા ઈમેલ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની પુષ્ટિ થઈ નથી. હાલ મુંબઈ પોલીસ અને સાયબર તપાસ ટીમ ઈમેલનો સ્ત્રોત શોધવા તેમજ ધમકી કેટલી ગંભીર છે તે નક્કી કરવા તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી તપાસ કરાયેલા સ્થળોએ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આ પણ વાંચોઃ પ્રદૂષિત હવા ફક્ત ફેફસાં જ નહીં, લિવર માટે પણ ખતરનાક! નવા સંશોધનમાં થયા ખતરનાક ખુલાસા
Back to top button