
Gujarat News : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા જંગી બહુમતી સાથે સત્તા કબજે કર્યો છે. મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર ભગવો લહેરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતાં જ હવે ગાંધીનગરના નવા મેયરને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. સ્થાનિક નેતાઓએ અને દાવેદારોએ પોતાના સમર્થકો સાથે હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે.
મેયર પદ માટે OBC અનામત અને મુખ્ય દાવેદાર
ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા નિયમો અનુસાર મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ ‘OBC સામાન્ય’ કેટેગરી માટે અનામત રખાય છે. આ અનામત નિયમને કારણે મેયર પદની રેસ અત્યંત રસપ્રદ બની છે. ભાજપમાંથી આ વખતે કુલ 8 કોર્પોરેટરો OBC સામાન્ય કેટેગરીમાંથી ચૂંટાયા છે. આ તમામ 8 નેતાઓ મેયર પદની રેસમાં સામેલ થયા છે અને ટિકિટ માટે આશાવાદી છે.
તમામ દાવેદારોમાં કનૈયાલાલ દેસાઈનું નામ મોખરે
આ તમામ દાવેદારોમાં વોર્ડ નંબર 5 માંથી વિજેતા બનેલા કનૈયાલાલ દેસાઈનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. તેઓ સળંગ ત્રીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હોવાથી તેમની સિનિયોરિટી તેમને મોટો ફાયદો કરાવી શકે છે. વધુમાં, તેમણે ભાજપ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે.
આ નામોની ચાલી રહી છે ચર્ચા
આ ઉપરાંત વોર્ડ નંબર 1 માંથી ચૂંટાયેલા મહેશ ચૌધરી પણ મેયર પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, તેઓ બિલ્ડર લોબીમાંથી આવતા હોવાથી પક્ષમાં તેમનો પ્રભાવ સારો એવો છે. આ સાથે જ વોર્ડ નંબર 4માંથી જંગી બહુમતીથી જીતેલા યુવા નેતા રૂપસિંહજી ઠાકોર પર પણ પાર્ટી કળશ ઢોળી શકે છે. પક્ષ જો કોઈ યુવા અને નવા ચહેરાને તક આપવા માંગતો હોય તો રૂપસિંહજી મજબૂત વિકલ્પ બની શકે છે. આ સાથે જ વોર્ડ નંબર 2 માંથી અરવિંદ ઠાકોર અને વોર્ડ નંબર 3 માંથી અંકિત બારોટ પણ OBC કેટેગરીમાં આવતા હોવાથી તેમની દાવેદારી નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત વિષ્ણુજી ઠાકોર, જયંતીભાઈ ડાભી અને ધર્મેન્દ્ર નાઈના નામો પણ રાજકીય ગલીઓમાં ચર્ચાઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પક્ષવાર પ્રદર્શન અને આંકડા
ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી જંગમાં કુલ 130 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ચૂંટણી પંચના આંકડા અનુસાર, મનપા વિસ્તારમાં નોંધાયેલા અંદાજે 2.59 લાખ મતદારોમાંથી સરેરાશ 59.25% લોકોએ મતદાન કર્યું હતું. ગત ઓક્ટોબર 2021 ની ચૂંટણીની સરખામણી કરીએ તો, ભાજપને 3 બેઠકોનું નુકસાન થયું છે. ગત ટર્મમાં ભાજપ પાસે 41 બેઠકો હતી, જે ઘટીને આ વખતે 38 થઈ છે. તેમ છતાં, વિપક્ષ કરતા ભાજપ ઘણો આગળ છે.
કોંગ્રેસ માટે આ ચૂંટણી રાહતરૂપ સાબિત થઈ
તો બીજી તરફ, કોંગ્રેસ માટે આ ચૂંટણી થોડી રાહતરૂપ સાબિત થઈ છે. ગત ચૂંટણીમાં માત્ર 2 બેઠકો જીતનાર કોંગ્રેસે આ વખતે પોતાનો આંકડો વધારીને 5 પર પહોંચાડ્યો છે. તેમજ 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે મેદાન માર્યું છે. સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે. 2021માં 1 બેઠક જીતીને ખાતું ખોલાવનાર ‘આપ’ આ વખતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ રહી છે અને શૂન્ય પર આઉટ થઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ કોને મેયર બનાવે છે.
આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 17 રાજ્યોમાં વરસાદ અને કરાની આગાહી, ગુજરાતમાં ગરમી વધશે












