ગીર સોમનાથમાં દીપડાનો આતંક! 9 વર્ષના બાળકને મોંમાં ઉઠાવી ગયો દીપડો

ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ઉના તાલુકાના નાદણ ગામમાં વાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેલા 9 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને મોંમાં દબાવીને લઈ ગયો હતો. જોકે, બાળકની ચીસો સાંભળીને પરિવારજનોએ હિંમતભેર દીપડાનો પીછો કરતાં તે બાળકને છોડીને ભાગી ગયો હતો. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવી કામગીરી શરૂ કરી છે.
પરિવારની નજર સામે બાળકને ઉઠાવી ગયો દીપડો
પ્રાથમિક માહિતી અનુસાર, ઉના તાલુકાના નાદણ ગામમાં એક પરિવાર વાડી વિસ્તારમાં હતો. આ દરમિયાન 9 વર્ષનું બાળક ત્યાં રમી રહ્યું હતું, ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડો બાળકને મોંમાં દબાવીને લઈ જતાં પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.
બાળકની ચીસો સાંભળીને પરિવારજનોએ સમય ગુમાવ્યા વિના દીપડાનો પીછો કર્યો હતો. પરિવારજનોના પ્રયાસોને પગલે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં
ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવ્યાં છે અને તેને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.
બાળક પર થયેલા હુમલાને પગલે પરિવારજનોમાં દુઃખ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. વાડી વિસ્તારમાં કામ કરતા પરિવારો અને બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.
થોડા દિવસ પહેલાં ઘાટવડમાં પણ 8 વર્ષના બાળક પર હુમલો
ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાની આ પહેલી ઘટના નથી. થોડા દિવસ પહેલાં ઘાટવડ ગામમાં પણ 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ઘાટવડ રેલવે ફાટક નજીક આવેલા વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી અનુસાર, એક મહિલા પોતાના બે બાળકો સાથે વાડી વિસ્તારમાં કામ કરી રહી હતી. તે દરમિયાન તેનું 8 વર્ષનું બાળક નજીકમાં રમી રહ્યું હતું. અચાનક શેરડીના ગીચ વાડમાં છુપાઈને બેઠેલા દીપડાએ બહાર આવી બાળક પર હુમલો કર્યો હતો.
દીપડાના હુમલાથી બાળક બૂમો પાડવા લાગતાં તેની માતા દોડી આવી હતી. આસપાસ બૂમાબૂમ થતાં દીપડો બાળકને છોડીને નજીકની ઝાડીઓમાં ભાગી ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વાડી વિસ્તારમાં બાળકોની સુરક્ષા સામે સવાલ
નાદણ અને ઘાટવડ ગામમાં થોડા જ દિવસોના અંતરે બાળકો પર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વાડીમાં ખેતીકામ કરતા પરિવારો માટે બાળકોની સુરક્ષા મોટો પ્રશ્ન બની રહી છે.
આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરીની સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં અંગે જાગૃતિ ફેલાવવી પણ જરૂરી છે. વાડી વિસ્તારમાં બાળકોને એકલા ન છોડવા, ઝાડી-ઝાંખરવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને દીપડો દેખાય તો તેની નજીક જવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી હિતાવહ છે.
હાલ નાદણ ગામમાં હુમલામાં ઘાયલ બાળકની સારવાર ચાલી રહી છે, જ્યારે વન વિભાગ દીપડાને પકડવા માટે પ્રયાસ કરી રહ્યું છે. હવે દીપડો ઝડપથી પકડાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે તે માટે ગ્રામજનોની નજર વન વિભાગની કામગીરી પર છે.












