ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

- દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા
- ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે
- સુરત અને તાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમુક વિસ્તારોમાં મેઘરાજા કહેર થઈને વરસી રહ્યા છે. છેલ્લાં બે દિવસથી અતિ ભારે વરસસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની સ્થિતિ કફોડી બની હતી. સુરત અને તાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જોકે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવા તૈયાર નથી. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહ્યો છે. નર્મદા અને તાપી જિલ્લામાં તો ચાર કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી
આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર કલાકમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે બુધવારે (25 જૂન) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કર્યા છે. જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 કલાકમાં 4.09 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતમાં પણ મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ચાર કલાકમાં સુરતમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા
જોકે, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મહીસાગર જિલ્લામાં 4 કલાકમાં 3.82 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાહોદમાં પણ અઢી ઈંચ ઉપર વરસાદ નોંધાયો છે. જોકે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે, ત્યારબાદ વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.












