ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 240 તાલુકામાં વરસાદ, 19 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain: એક મહિના જેટલા લાંબા વિરામ બાદ ગુજરાતમાં શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગે સોમવારે જોર પકડ્યું છે. સવારના 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ આણંદના બોરસદમાં 5.43 ઈંચ અને અમદાવાદના ધોળકામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના અન્ય 29 તાલુકામાં પણ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં ભારે થી અતિભારે વરસાદ સાથે તીવ્ર પવનની ચેતવણી આપી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
વડોદરામાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં
વડોદરામાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરમાં દાદી અને પૌત્રી ખાડામાં ખાબક્યાની ઘટના પણ સામે આવી છે. ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.
પોરબંદરમાં વીજળી પડતાં પશુપાલકનું મોત
પોરબંદરના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક વિનુ મેરામણ ઓડેદરા અને તેમની ભેંસનું મોત થયું હતું. તેઓ ભેંસને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
જૂનાગઢમાં નદીમાં ધોડાપૂર
જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે. દામોદર કુંડમાં પણ પાણીની આવક થઈ છે. ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદને કારણે સીડીઓ પરથી નદીની જેમ પાણી વહેતાં દૃશ્યો જોવા મળ્યા હતા. વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની મોટી આવક થતાં ઓવરફ્લોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાજકોટ, ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લાલપુલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. રાજકોટના નાનામવા રોડ પાસેની સોસાયટીમાં એકાદ કલાકના વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં. જૂનાગઢના ભેસાણ, રાણપુર, છોડવાડી અને મેંદપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. નદી-નાળામાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં અંધારપટ વચ્ચે વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલાલા-ગીર વિસ્તારમાં સારા વરસાદથી સૂકાઈ રહેલા પાકને જીવનદાન મળતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. રાજકોટ પંથકમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો.












