અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ, સીઝનનો કુલ વરસાદ 23.22 ઈંચે પહોંચ્યો

અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સરેરાશ 3.01 ઈંચ (76.55 મિમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ વરસાદ થલતેજ વિસ્તારમાં 4.09 ઈંચ નોંધાયો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જોકે શનિવારે સવારે વરસાદનું જોર ઘટતાં લોકોને આંશિક રાહત મળી હતી.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ

AMCના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 3.49 ઈંચ વરસાદ નોંધાયો હતો, જે શહેરના તમામ ઝોનમાં સૌથી વધુ રહ્યો હતો. ઉપરાંત મધ્ય ઝોનમાં 3.46 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 3.11 ઈંચ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 2.91 ઈંચ, દક્ષિણ ઝોનમાં 2.87 ઈંચ, ઉત્તર ઝોનમાં 2.78 ઈંચ અને પૂર્વ ઝોનમાં 2.49 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વિસ્તારવાર જોઈએ તો બોડકદેવ અને દૂધેશ્વરમાં 3.82 ઈંચ, સાયન્સ સિટીમાં 3.76 ઈંચ, જ્યારે સરખેજ, જોધપુર અને બોપલ સહિતના વિસ્તારોમાં પણ અઢીથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

સવારે વરસાદનું જોર ઘટ્યું

શનિવારે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન શહેરમાં વરસાદનું જોર ઘટતાં સરેરાશ માત્ર 0.02 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 0.14 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા. અન્ય વિસ્તારોમાં મેઘવિરામ જેવી સ્થિતિ જોવા મળી હતી.

સીઝનનો કુલ વરસાદ 23.22 ઈંચ

ચાલુ ચોમાસામાં અમદાવાદમાં અત્યાર સુધી 23.22 ઈંચ (589.77 મિમી) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ શહેરના સરેરાશ સીઝનલ વરસાદના 64.50 ટકા જેટલો છે. સતત વરસાદને કારણે નદીમાં પાણીની આવક પણ વધી છે.

વાસણા બેરેજના 18 દરવાજા ખુલ્લા

નદીમાં પાણીનો પ્રવાહ વધતાં વાસણા બેરેજના દરવાજા નંબર 2થી 19 સુધીના કુલ 18 દરવાજા ફ્રી-ફ્લો સ્થિતિમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલમાં બેરેજ ખાતે પાણીની સપાટી 123.00 ફૂટ નોંધાઈ રહી છે. તંત્રે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Back to top button