હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે: રેડ એલર્ટમાં કેવી રીતે રાખશો કાળજી?

Heat wave: ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની ગઈ છે. ગુજરાતમાં ઉનાળાની વધતી ગરમી અને હીટવેવ (લૂ)ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર થાય ત્યારે તેને માત્ર ગરમીની ચેતવણી નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટેની ગંભીર ચેતવણી તરીકે લેવી જોઈએ.
રાજ્ય સરકારની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, હીટવેવ દરમિયાન સાવચેતી રાખવાથી હીટ સ્ટ્રોક અને અન્ય ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. “હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે”ના મંતવ્ય સાથે સરકારે નાગરિકોને વ્યવહારુ ઉપાયો અપનાવવાની અપીલ કરી છે.
1. હીટવેવ દરમિયાન સામાન્ય સાવચેતીઓ (તમામ માટે)
- તરસ ન લાગે તો પણ દર 20-30 મિનિટે પાણી પીતા રહો.
- પાણી સાથે છાશ, નારિયેળ પાણી, લીંબુ-વરીયાળીનું શરબત જેવા કુદરતી પીણા લો જેથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જળવાઈ રહે.
- હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો.
- તાજો, હળવો અને પચવામાં સરળ ખોરાક લો. વધુ પડતો મસાલેદાર, તળેલો, પ્રોટીનયુક્ત કે વાસી ખોરાક ટાળો.
- કાચી ડુંગળી, કાકડી, તરબૂચ, ટેટી જેવા પાણીવાળા ફળો વધુ ખાઓ.
- બપોરે 12થી 4 વાગ્યા સુધી સીધા સૂર્યપ્રકાશમાં બહાર નીકળવાનું ટાળો. જો નીકળવું જ પડે તો માથું અને કાન રૂમાલથી ઢાંકીને રાખો.
2. રેડ એલર્ટ
રેડ એલર્ટનો અર્થ છે કે તાપમાન અત્યંત વધી ગયું છે અને હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધારે છે. આ સમયે ગરમી સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની જાય છે.
3. રેડ એલર્ટ દરમિયાન ખાસ પગલાં
- અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળો, ખાસ કરીને જ્યારે તાપમાન 45°Cથી વધુ હોય.
- દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો.
- ઘરની બારીઓ પર ઘેરા પડદા લગાવીને ઘરને ઠંડું રાખો.
- ઘરમાં ORS (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન) તૈયાર રાખો અને ડીહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તુરંત આપો.
4. વિવિધ વયજૂથ માટે વિશેષ સૂચનાઓ
- બાળકો અને નવજાત: તેમને સીધા તડકાથી બચાવો. વારંવાર પાણી આપતા રહો. ક્યારેય બંધ વાહનમાં એકલા ન છોડો.
- વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ: બીપી, ડાયાબિટીસ, હૃદયરોગવાળા લોકોને ઠંડા વાતાવરણમાં રાખો. તબિયતમાં સહેજ ફેરફાર જણાય તો તુરંત ડોક્ટર પાસે લઈ જાઓ.
- કામદારો-શ્રમિકો: બપોરે ભારે શારીરિક કામ ટાળો. કામના સ્થળે છાંયડો અને પીવાનું પાણી ઉપલબ્ધ રાખો.
- મુસાફરો: લાંબી મુસાફરીમાં પાણીની બોટલ અને પ્રાથમિક સારવાર કીટ સાથે રાખો.
5. હીટ સ્ટ્રોકના લક્ષણો
- ખૂબ ઊંચો તાવ
- અસહ્ય માથાનો દુખાવો અને ચક્કર
- ઊબકા અથવા ઉલટી
- ત્વચા લાલ, ગરમ અને સૂકી થવી
6. હીટ સ્ટ્રોક થાય તો તુરંત શું કરવું?
- વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જાઓ.
- શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકો.
- જો ભાનમાં હોય તો ધીમે-ધીમે પાણી અથવા ORS પીવડાવો.
- તુરંત 108 એમ્બ્યુલન્સ અથવા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ.
7. ઘરને ઠંડું રાખવાના ઉપાયો
- દિવસે બારી-બારણાં બંધ રાખીને ઘેરા પડદા લગાવો.
- સાંજે અને રાત્રે બારીઓ ખોલીને ઠંડી હવા અંદર આવવા દો.
- ધાબા પર સફેદ ચૂનો કે હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવો.
8. સામાજિક જવાબદારી
- પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીના કુંડા મૂકો.
- રસ્તા પર ગરમીથી અસ્વસ્થ વ્યક્તિ જણાય તો મદદ કરો.
- ગામડામાં પશુઓને છાંયડામાં રાખો, પાણી પુરતું આપો અને શક્ય હોય તો પંખાની વ્યવસ્થા કરો.
સરકારની અપીલ
સાવચેતી જ શ્રેષ્ઠ ઈલાજ છે. ગરમીને હળવાશથી ન લો અને સરકાર તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો. આ ઉનાળે સાવધાનીથી રહીને પોતાને અને પરિવારને સુરક્ષિત રાખીએ.
આ પણ વાંચો: Summer Skin Care: આકરી ગરમીમાં ચહેરો કાળો પડી ગયો છે? રસોડાની આ 3 વસ્તુઓથી લાવો ઈન્સ્ટન્ટ ગ્લો!












