ગુજરાત : આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પૂર્વે નાના બાળકો પાસે ચિઠ્ઠી ખેંચાવીને સરપંચ નક્કી કરાયા

- ગામમાં એકતા જાળવવા ગ્રામજનોએ અનોખો નિર્ણય આવ્યો હતો
- સરપંચની ચૂંટણી લડવા ઈચ્છુક ત્રણ ઉમેદવારો થતાં ગ્રામજનો નિર્ણય લીધો
- એક નામ સરપંચ તરીકે નક્કી કરતા સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું
વિરમગામ તાલુકાના કાલીયાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ ન થાય અને ગામમાં એકતા જાળવવા ગ્રામજનોએ અનોખો નિર્ણય આવ્યો હતો. સરપંચની ચૂંટણી લડવા ઈચ્છુક ત્રણ ઉમેદવારો થતાં ગ્રામજનોની ઉપસ્થિતિમા નાના બાળક પાસે ચિઠ્ઠી ઉપડાવી એક નામ સરપંચ તરીકે નક્કી કરતા સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું છે.
સમસ્ત ગામ લોકોના સહિયારા પ્રયાસથી સરપંચ સભ્યો બિનહરીફ
વિરમગામ તાલુકાના ૩૩ ગ્રામ પંચાયત પૈકી ૧૬ ગ્રામ પંચાયતોમાં મુદ્દત પૂરી થતાં સરપંચ સહિત વોર્ડ સભ્ય સભ્યની સામાન્ય ચૂંટણી યોજાશે. સરપંચની બેઠક માટે સામાન્ય સ્ત્રી અનામત છે. કાલીયાણા ગામે સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય ચૂંટણી બાબતે કાલીયાણા ગામના રાજકીય અગ્રણી લખુભા મોરીએ જણાવ્યું હતું કે અગાઉ એકવાર ગામમાં ચૂંટણી થઈ હતી ત્યાર બાદ સમસ્ત ગામ લોકોના સહિયારા પ્રયાસથી સરપંચ સભ્યો બિનહરીફ કરવામાં આવે છે.
બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડતા સરપંચ તરીકેનું કંચનબેન મોરી નામ નક્કી થયુ
ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યની સામાન્ય ચૂંટણીમાં ગામમાં વિવાદ ન થાય અને ગામની એકતા જળવાઈ રહે તેવા હેતુસરથી ગામના વડીલો યુવાનો અને સમસ્ત ગ્રામજનો દ્વારા સરપંચની ચૂંટણી લડવા ઈચ્છુક ૩ ઉમેદવારો કંચનબેન અલ્પેશભાઈ મોરી, ક્રિષ્નાબેન અલ્પેશભાઈ મોરી અને અંજુબેન રાજુભાઈ મોરીના નામની ચિઠ્ઠી બનાવી સમસ્ત ગ્રામજનોની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડતા સરપંચ તરીકેનું કંચનબેન અલ્પેશભાઈ મોરી નામ નક્કી કરી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું છે. ઉપસરપંચ અને વોર્ડ સભ્યોના નામની જાહેરાત સર્વ સંમતિથી કરવામાં આવશે. તા.૧૧/૦૬/૨૦૨૫ના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં રૂ.1 કરોડથી વધુના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ












