ગુજરાત

ગાંધીનગરમાં નિવૃત્ત કર્મચારીની કરપીણ હત્યા: ચરેડી સ્થિત સરકારી પ્લોટમાં દાતરડા વડે જીવલેણ હુમલો

Gandhinagar Retired Employee Murder: ગાંધીનગરના સેક્ટર-26 માં રહેતા અને મૂળ વાવોલ ગામના વતની પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલની ચરેડી સ્થિત અવાવરુ સરકારી જગ્યામાં ધારદાર હથિયાર વડે ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક પોતાના નિત્યક્રમ મુજબ સરકારી પ્લોટમાં એકઠા થતા સેંકડો મોરોને મકાઈના દાણા ખવડાવવા માટે ગયા હતા, જ્યાં અચાનક આ ખૂની ખેલ ખેલાયો હતો. નિર્જન જગ્યાએ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

મોરને દાણા નાખતી વખતે અજાણ્યા શખસનો હુમલો

ઘટનાની વિગતો અનુસાર, રમેશભાઈ સરકારી પ્લોટમાં જઈને શાંતિથી ખુરશી પર બેસીને મોરોને દાણા નાખી રહ્યા હતા. તે જ સમયે કોઈ અજાણ્યા શખસે આવીને તેમના પર દાતરડા જેવા ધારદાર હથિયાર વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાને કારણે રમેશભાઈ લોહીલુહાણ હાલતમાં ખુરશી પર જ ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

સેક્ટર-21 પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે પોલીસે શંકાના આધારે તે જગ્યાના ચોકીદારની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.

મદદ કરનાર દાનવીરની હત્યા

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મૃતક રમેશભાઈ જે ચોકીદારના સ્થળે જતા હતા, તેના દીકરાના અભ્યાસના ખર્ચ માટે આર્થિક મદદ કરતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શંકાસ્પદ ચોકીદાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ભૂતકાળમાં પોતાની પત્નીની પણ હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પૈસાની લેવડ-દેવડ મુખ્ય કારણ હોવાની શંકા સેવાઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓસ્ટ્રેલિયાથી પુત્ર પરત ફર્યા બાદ થશે અંતિમક્રિયા

મૃતક રમેશભાઈનો પુત્ર અને પુત્રી હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા છે. રમેશભાઈ દરરોજ મોરને દાણા ખવડાવતી વખતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. ઘટના અંગે ઓસ્ટ્રેલિયા રહેતા પુત્ર અને પુત્રીને જાણ કરવામાં આવી છે. પુત્ર ગાંધીનગર પરત ફર્યા બાદ જ રમેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવશે. હાલમાં સેક્ટર-21 પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ભારતમાલા એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, ચારનાં ઘટનાસ્થળે મોત

Back to top button