ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં Gen Zનું રણશિંગું: રાજકીય નેતૃત્વ વિના સ્વયંભૂ આંદોલન, હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી નાંખવાની ધમકી

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ‘Gen Z’ના યુવાઓ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે યુવાઓને આંદોલનમાં સહભાગી થવા સોશિયલ મીડિયા પર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકીય નેતૃત્વ વિના રાજ્યભરમાં સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે, જેને પગલે ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. વીજપોલના મામલે ખેડૂતોનો રોષ હજુ શાંત થયો નથી, ત્યાં હવે યુવાઓનો આ આક્રોશ શાંત કરવો સરકાર માટે ભારે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.

કોઈ નેતા વિના યુવાનો સ્વયંભૂ મેદાને

કોઈપણ ચોક્કસ રાજકીય નેતૃત્વ વિના યુવાઓ જે રીતે સ્વયંભૂ મેદાને પડ્યા છે, તે બાબત હવે સરકાર માટે ઊંડા સંશોધન અને વિચાર માંગતો સવાલ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર યુવાઓ દ્વારા સતત કોમેન્ટોનો મારો ચલાવીને ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસ અને IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)ની ટીમ આંદોલનકારી યુવાઓ પર બાજ નજર રાખી રહી છે.

ભાજપને શહેરી વોટબેંકમાં ગાબડાનો ડર

ગુજરાતના શહેરી વિસ્તારો હંમેશા શાસક પક્ષ ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. પરંતુ આ આંદોલનને કારણે જાગૃત યુવા મતદારો આગામી સમયમાં ભાજપની આ પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે, તેવો ડર અત્યારે ભાજપ મોવડી મંડળને સતાવી રહ્યો છે.

આંદોલન કચડવાના પ્રયાસ

બીજી તરફ, આ આંદોલનને કચડી નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા આડકતરો દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે. વિદ્યાર્થીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તેઓ આ આંદોલનમાં ભાગ લેશે, તો તેમને હોસ્ટેલ અને કોલેજમાંથી તાત્કાલિક અસરથી કાઢી મૂકવામાં આવશે. આ ચીમકી છતાં યુવાઓનો જોશ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

રાજકીય નેતૃત્વ વિના યુવાઓ સ્વયંભૂ મેદાને પડ્યા હોવાની આ ઘટના હવે સંશોધનનો વિષય બની ગઈ છે. સરકાર અને શાસક પક્ષ આ સ્વયંભૂ આક્રોશને કેવી રીતે સંભાળે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વિકાસ ધોવાયો: લોકાર્પણ કર્યાના ખાલી 48 કલાકમાં ગાંધીનગરના સાદરા-અલુવા બ્રિજને જોડતા એપ્રોચ રોડ પર ગાબડું પડ્યું

Back to top button