ગુજરાતમાં આજે TAT-S મેઇન્સ પરીક્ષા: 75 હજાર ઉમેદવારો મેદાનમાં, અમદાવાદમાં 84 અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર પરીક્ષા
Gujarat Tat-s Exam: ગુજરાતમાં રવિવાર, 20 સપ્ટેમ્બરના રોજ TAT-S મેઇન્સની પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યભરમાં અંદાજે 75 હજાર જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બે સેશનમાં લેવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 84 પરીક્ષા કેન્દ્રો પર 15 હજારથી વધુ ઉમેદવારો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, સાથે જ ઉમેદવારોમાં સરકારી ભરતીને લઈને અપેક્ષાઓ પણ છે. ઉમેદવારોનું કહેવું છે કે સમય જતાં શિક્ષક ભરતીની પરીક્ષાઓમાં સ્પર્ધા વધી રહી છે, ત્યારે પરીક્ષા યોજાયા બાદ ભરતી પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થવી જોઈએ.
ચુસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન
TAT-S મેઇન્સ પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોના સંચાલક, સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરની નિમણૂક કરતા પહેલા તેમને તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર સરકારી પ્રતિનિધિની પણ નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે.
અમદાવાદમાં 84 કેન્દ્રો પર પરીક્ષા
અમદાવાદમાં TAT-S મેઇન્સ માટે કુલ 84 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. અહીં 15 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
પશ્ચિમ વિસ્તારમાં પણ પરીક્ષાનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. અહીં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા છે.
‘સમય જતાં સ્પર્ધા વધી રહી છે’
પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં સરકારી શિક્ષક બનવાની આશા સાથે સ્પર્ધાને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે.
વાવ-થરાદથી અમદાવાદ પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભૈરવ વાઘેલાએ જણાવ્યું હતું કે અગાઉની પરીક્ષામાં તેમણે કેમિસ્ટ્રી વિષય સાથે તૈયારી કરી હતી, જ્યારે આ વખતે છેલ્લા છ મહિનાથી ગણિત અને વિજ્ઞાન વિષય સાથે તૈયારી કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા એક વર્ષથી TAT પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને સમય જતાં સ્પર્ધામાં વધારો થઈ રહ્યો છે.
‘માત્ર પરીક્ષા નહીં, સમયસર ભરતી પણ થાય’
કલોલથી પરીક્ષા આપવા આવેલી આસ્થા પટેલે જણાવ્યું હતું કે તેમનું B.Ed. તાજેતરમાં પૂર્ણ થયું છે અને આ તેમની પ્રથમ સરકારી પરીક્ષા છે. ગણિત અને વિજ્ઞાન તેમનો વિષય હોવાથી તેમણે પાર્ટ-1 અને ગણિત પર વિશેષ ધ્યાન આપીને તૈયારી કરી છે.
તેમના જણાવ્યા મુજબ, તેમના વિષયમાં આશરે 30થી 31 હજાર ઉમેદવારો હોવાથી સ્પર્ધા ખૂબ જ કઠિન બની છે. તેમણે કહ્યું કે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે માત્ર પરીક્ષા યોજવાને બદલે ઉમેદવારોની અપેક્ષા મુજબ સમયસર ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવે તેવી આશા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘આ વખતે પૂરી તૈયારી સાથે પરીક્ષા આપી રહ્યો છું’
વાવ-થરાદથી પરીક્ષા આપવા આવેલા બાબુએ જણાવ્યું હતું કે અગાઉની પરીક્ષામાં ઓછો સમય મળવાને કારણે તેઓ અભ્યાસક્રમની સંપૂર્ણ તૈયારી કરી શક્યા નહોતા. જોકે, આ વખતે તેમણે સંપૂર્ણ તૈયારી અને પદ્ધતિસરના આયોજન સાથે પરીક્ષા આપી છે.
તેમણે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે પરીક્ષાઓ યોજાયા બાદ સરકાર દ્વારા પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવે, જેથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોની આશા જળવાઈ રહે.
ઉમેદવારોની નજર હવે ભરતી પ્રક્રિયા પર
TAT-S મેઇન્સ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ધ્યાન હવે પરિણામ અને ત્યારબાદની ભરતી પ્રક્રિયા પર રહેશે. ઉમેદવારોની મુખ્ય માંગ છે કે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ અને ભરતીની પ્રક્રિયા શક્ય તેટલી સમયસર હાથ ધરવામાં આવે.
આ પણ વાંચો: દિયર-ભાભીના અફેરનો ખતરનાક અંજામ, બે વર્ષની ભત્રીજીને સળગતા ચૂલ્હા પર બેસાડી દીધી












