ગુજરાત

અમદાવાદના નારોલમાં બાળલગ્ન અટક્યા: 17 વર્ષના વરરાજા અને 11 વર્ષની દુલ્હનના લગ્ન મંડપમાંથી જ રોકાયા

Ahmedabad Narol Child Marriage Stopped: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક જાગૃત નાગરિકની સમયસૂચકતાને કારણે 11 વર્ષની માસૂમ બાળકીના બાળલગ્ન થતાં અટકી ગયા છે. લગ્ન મંડપમાં 17 વર્ષના સગીર વરરાજાની જાન આવી પહોંચી હતી અને લગ્નની વિધિ શરૂ થાય તે પહેલાં જ 181 અભયમ હેલ્પલાઈન પર આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ 181 અભયમની ટીમ અને સ્થાનિક પોલીસની ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

માતા-પિતાએ ઉંમર છુપાવવાનો પ્રયાસ કર્યો

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જ્યારે પૂછપરછ હાથ ધરી ત્યારે બાળકીના માતા-પિતાએ પોતાની દીકરી પુખ્ત વયની હોવાનું કહીને પોલીસ અને ટીમને ગેરમાર્ગે દોરવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કડક વલણ અપનાવી ઓળખના સરકારી પુરાવાઓ ચકાસતાં સામે આવ્યું હતું કે બાળકીની ઉંમર માત્ર 11 વર્ષ જ છે, જ્યારે સામે પક્ષે છોકરો પણ 17 વર્ષનો સગીર છે. બંને પક્ષના વર-વધૂ સગીર હોવાથી આ લગ્ન કાયદાકીય રીતે ગુનો સાબિત થતા હતા.

સગીરાને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવી

કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે કાયદાકીય વિવાદ ટાળવા માટે ટીમે 11 વર્ષની સગીરાને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન ખસેડી હતી અને બંને પક્ષના વાલીઓને પણ ત્યાં બોલાવી લીધા હતા. પોલીસ સ્ટેશનમાં જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને સગીરાનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત આશ્રય માટે ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ ખાતે મોકલી આપવામાં આવી હતી.

અગાઉ પણ 3 દીકરીઓના સગીર વયે લગ્ન કરાવ્યા હોવાની કબૂલાત

પોલીસ સ્ટેશન ખાતે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સંયુક્ત રીતે વાલીઓનું સઘન કાઉન્સિલિંગ કર્યું હતું. પૂછપરછ દરમિયાન માતા-પિતાએ કબૂલાત કરી હતી કે તેમના સમાજમાં દીકરીઓના વહેલા લગ્ન કરવાનો જૂનો રિવાજ હોવાથી તેમણે અગાઉ પણ પોતાની 3 દીકરીઓના સગીર વયે જ લગ્ન કરાવી દીધા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વાલીઓએ ભવિષ્યમાં બાળલગ્ન ન કરાવવાની લેખિત બાંહેધરી આપી

સરકારી તંત્ર અને સંગઠનો દ્વારા કરવામાં આવેલા કાઉન્સિલિંગ બાદ માતા-પિતાને પોતાની ગંભીર ભૂલનો અહેસાસ થયો હતો. તેમણે ભવિષ્યમાં બાળકો પુખ્ત વયના ના થાય ત્યાં સુધી તેમના લગ્ન નહીં કરાવવાની લેખિત બાંહેધરી પોલીસ સમક્ષ આપી હતી. આમ, એક જાગૃત નાગરિકની સમયસરની બાતમી અને તંત્રની ઝડપી કામગીરીને કારણે એક નાની બાળકીનું ભવિષ્ય વેડફાતાં બચી ગયું હતું.

Back to top button