Garba Partner : તહેવાર કે પ્રસંગ દરમિયાન લોકો કપડા, આભૂષણ સહિતની વસ્તુઓ રેન્ટ પર લેતા હોય છે. પરંતુ આ નવરાત્રીમાં તમને ગરબા રમવા માટે પાર્ટનર પણ રેન્ટ પર મળશે. ગુજરાતના એક યુવાને નવરાત્રિ દરમિયાન દાંડિયા અને ગરબા રમવા માટે પાર્ટનર ન શોધી શકતા લોકો માટે એક ઉકેલ શોધી કાઢ્યો છે. ક્રિષ મિસ્ત્રીએ એવા લોકો માટે એક અનોખી ઓફર રજૂ કરી છે જેમની પાસે ડાન્સ પાર્ટનર નથી. ક્રિષ મિસ્ત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી “રેન્ટ અ ગરબા પાર્ટનર” (ગરબા પાર્ટનર ભાડે લો) શીર્ષકવાળી એક જાહેરાત પોસ્ટ કરવામાં આવી હતી.
આ ઓફર ત્રણ સ્તર પર કરાઈ છે રજૂ
આ યુવાને ઓફરના ત્રણ સ્તર રજૂ કર્યા છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તેની જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જાહેરાત મુજબ સિલ્વર પેકેજની કિંમત રૂ.1,000 છે. તેમાં બે કલાક માટે ગરબાના સાથી તરીકે સાથે રહેવું, મેચિંગ આઉટફિટ (એકસરખા કપડાં), ગરબાની પ્રાથમિક તાલીમ અને સેલ્ફીનો સમાવેશ થાય છે. ગોલ્ડ પેકેજની કિંમત રૂ.1,500 છે અને તેમાં ચાર કલાક માટે ગરબાના સાથી તરીકે સાથે રહેવાની સુવિધા મળે છે, સાથે જ “અમે કેવી રીતે મળ્યા” તે દર્શાવતો શોર્ટ વીડિયો બનાવવાની સુવિધા પણ આપવામાં આવે છે.
કોમેન્ટ્સ દ્વારા કરો બુકિંગ
આ સર્વિસના ભાગ તરીકે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ અને ફોટા પણ શૂટ કરવામાં આવશે. જેમાં પાર્ટનરના મિત્રોને “ભાઈ” અને “ભાભી” તરીકે સંબોધવાનો વિકલ્પ પણ છે. પ્લેટિનમ પેકેજની કિંમત રૂ.2,000 છે અને તેમાં આખો દિવસ ગરબા રમવા, ડાન્સનું નિદર્શન અને તાલીમ, તેમજ કાર્યક્રમ પછી ક્લાયન્ટને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની જવાબદારીનો સમાવેશ થાય છે. મિસ્ત્રીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, જેઓ રસ ધરાવતા હોય તેમણે કોમેન્ટ સેક્શન દ્વારા બુકિંગ કરવવાનું રહેશે. ઘણા લોકોએ મિસ્ત્રીના આ વિચાર પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ્સમાં તેને એક અનોખો “સાઇડ બિઝનેસ” ગણાવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેટલાક લોકોએ આ પોસ્ટની ઉડાવી મજાક
જ્યારે કેટલાક લોકોએ આ પોસ્ટની મજાક ઉડાવી છે. “રેન્ટ અ ગરબા પાર્ટનર” જેવી કોમેન્ટ્સ કરી છે ત્યારે અન્ય લોકોએ તેમના મિત્રોને ટેગ કરીને આ સેવાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા છે. કેટલાક યુઝર્સે આ ઓફરમાં ગંભીર રસ દાખવ્યો છે અને કોમેન્ટ્સમાં મિસ્ત્રી પાસે વધુ વિગતો માંગી છે.
આ પણ વાંચો : રાજકોટ વાસીઓ ચેતજો! 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું












