જગન્નાથપુરીમાં ભવ્ય સ્નાન પૂર્ણિમા, સોનાના 108 કળશથી ભગવાનને સ્નાન કરાવાશે

- વર્ષમાં ફક્ત આ એક જ દિવસે ભગવાન જગન્નાથજીને મંદિરમાં જ બનાવવામાં આવેલાના સોનાના કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે
પુરી, મંગળવાર, HD ન્યુઝ ડેસ્કઃ ઓડિશાના પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથપુરીમાં Jagannathpuri આવતી કાલે 11 જૂનના રોજ સ્નાન પૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે શ્રીમંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે. સમગ્ર વર્ષમાં ફક્ત આ એક જ દિવસે ભગવાન જગન્નાથજીને મંદિરમાં જ બનાવવામાં આવેલાના સોનાના કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ માટે જ આ દિવસને સ્નાન પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
સ્નાન કર્યા બાદ ભગવાન બીમાર પડે છે
ઉલ્લેખનીય છે કે સ્નાન કર્યા બાદ ભગવાન બીમાર પડી જાય છે અને 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી. 16મા દિવસે નવયૌવન શૃંગાર ધરીને ભગવાન ભક્તોને દર્શન આપે છે. તેના બીજા દિવસે ભગવાન રથયાત્રા પર નીકળે છે અને ગુંડિચા મંદિર ખાતે પોતાનાં માસીને ત્યાં જાય છે. ભગવાન જ્યારે બીમાર પડે છે ત્યારે 27 કિ.મી. દૂર આવેલા આલારનાથ મંદિરમાં દર્શન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બીમાર હોય એટલા દિવસ સુધી આલારનાથ મંદિરમાં દર્શન કરવાથી ભગવાન જગન્નાથજીનાં દર્શન કર્યાં જેટલું જ પુણ્ય મળે છે. આલારનાથ ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત હતા.
મંદિરના પૂજારી જણાવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાનને ગર્ભગૃહમાં જ સ્નાન કરાવવામાં આવે છે, પરંતુ તેની પ્રક્રિયા અલગ હોય છે. તેમાં ભગવાનની મૂર્તિ સામે મોટા મોટા અરીસા લગાવવામાં આવે છે. ત્યાર બાદ એ અરીસામાં ભગવાનની જે તસવીર દેખાય છે તેના પર ધીમે ધીમે જળાભિષેક કરવામાં આવે છે. આ રીતે સ્નાન કરાવવાનાં બે મુખ્ય કારણો છે. એક તો ભગવાનની મૂર્તિ લાકડાની બનેલી છે અને તેના પર પવિત્ર રંગોથી આકૃતિ ઉપસાવવામાં આવી છે. જો તેના પર રોજ જળ રેડવામાં આવે તો પ્રતિમા બગડી જવાની સંભાવના રહે છે. બીજા કારણ પાછળ એવી માન્યતા છે કે ભગવાન ખૂબ જ કોમળ છે અને જો તેમને દરરોજ સ્નાન કરાવવામાં આવશે તો તેઓ બીમાર પડી શકે છે.

જેઠ મહિનાની પૂર્ણિમાએ સ્નાનની પરંપરા
આ કારણે વર્ષમાં એક વખત રથયાત્રાના 16 દિવસ પહેલાં જેઠ મહિનાની પૂનમે ભગવાનની પ્રતિમાઓને મંદિરથી બહાર લાવવામાં આવે છે. તેને સ્નાનયાત્રા કહેવાય છે. મંદિર પ્રાંગણમાં ભવ્ય મંચ તૈયાર કરવામાં આવ્યો છે, જેને સ્નાન મંડપ કહે છે. આ મંડપમાં ભગવાનને બિરાજિત કરવામાં આવશે.
આવતી કાલે વહેલી સવારે મંદિરમાં આવેલો સ્વર્ણ કૂવો સેવાદારની હાજરીમાં ખોલવામાં આવશે. વૈદિક મંત્રોની સાથે ભગવાનના સ્નાનની વિધિ શરૂ થશે. સોનાના કૂવામાંથી પાણી કાઢીને તેને સોનાના 108 કળશમાં ભરવામાં આવશે અને તેનાથી ભગવાન, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્રને સ્નાન કરાવવામાં આવશે. પરંપરા અનુસાર દેવસ્નાન બાદ ભગવાન જગન્નાથજીને તાવ આવી જાય છે અને આથી તેઓ 11થી 25 જૂન સુધી કોઈને પણ દર્શન નહીં આપે. બીમાર હોવાના કારણે ભગવાનને મુખ્ય સિંહાસન પર નહીં, પરંતુ મંદિરમાં જ વાંસમાંથી બનેલા ઓરડામાં રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ કેદારનાથ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યો જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો












