સરકારી ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે ખુશીના સમાચાર
સરકારી ભરતીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) તરફથી એક મહત્વપૂર્ણ અને રાહતભરી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે GPSC દ્વારા મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકાર દ્નારા કરવામાં આવેલી આ જાહેરાતથી સરકારી નોકરીની તૈયારીઓ કરતા યુવાનોમાં એક નવી આશા જોવા મળી રહી છે.
GPSCએ કુલ 67 જુદા જુદા વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. આ તમામ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી સત્તાવાર રીતે શરૂ થશે. ઉમેદવારો GPSCની વેબસાઇટ દ્વારા પોતાની અરજી ઓનલાઈન સબમિટ કરી શકશે. અરજી કરવાની અંતિમ તારીખ 13 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે, એટલે કે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પૂરતો સમય મળશે, પરંતુ અંતિમ ક્ષણ સુધી રાહ નહીં જોવાની સલાહ આપવામાં આવી છે.
આ ભરતીમાં રાજ્યના 67 વિભાગોમાં વિવિધ કક્ષાની પોસ્ટ્સનો સમાવેશ થાય છે. GPSC દ્વારા આ વખતે બહાર પડેલી જગ્યાઓમાં ટેકનિકલ તેમજ નોન-ટેકનિકલ બંને પ્રકારની પોસ્ટ્સ છે, જેનાથી વિવિધ શૈક્ષણિક પાત્રતા ધરાવતા ઉમેદવારોને તક મળશે. GPSCએ સાથે સાથે આવનારી પરીક્ષાની પ્રાથમિક જાહેરાત પણ કરી છે જેથી ઉમેદવારો તૈયારીનો માર્ગ સ્પષ્ટ રીતે નક્કી કરી શકે.












