ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગોંડલ-આટકોટ હાઈવે પર ભયંકર અકસ્માત બાદ કારમાં આગ લાગી, 3 લોકો જીવતા બળી ગયા

ગોંડલ, 30 જાન્યુઆરી 2026: ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે એક હચમચાવી નાખતો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા સળગી ગયા છે.

આ આગના કારણે ગાડીના દરવાજા જામ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભડથું થઇ ગયેલી ગાડીમાં હાડપિંજર દેખાયા છે. હાલ ગોંડલના ફાયર જવાનો દ્વારા ગાડીના દરવાજા ખોલવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, એક હ્યુન્ડાઈ કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી.

આ દુર્ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ અને ‘112 જનરક્ષક’ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા રજૂ કરે છે.

આ પણ વાંચો: પીટી ઉષાના પતિ વી શ્રીનિવાસનું નિધન, પીએમ મોદીએ ફોન કરી દુ:ખ વ્યક્ત કર્યું

Back to top button