ગુજરાતટોપ ન્યૂઝ

Gandhinagar: જાણીતા રેસ્ટોરાંમાં પીરસાયેલા પિત્ઝામાં વંદો નીકળ્યો, વીડિયો વાયરલ થતાં ફૂડ સેફ્ટી પર ઉઠ્યા સવાલ

Gandhinagar: ગાંધીનગરમાં એક જાણીતા પિઝા રેસ્ટોરાંમાં ગ્રાહકને પીરસાયેલા પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. શહેરના ટેરાનોવાસ પિત્ઝા રેસ્ટોરાંમાં પરિવાર સાથે ભોજન કરવા ગયેલા ગ્રાહકને પિત્ઝા ખાતા સમયે અંદર વંદો જોવા મળતાં હલચલ મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભોજન દરમિયાન પિત્ઝામાં જીવાત જોવા મળતા ગ્રાહકો આશ્ચર્યચકિત

મળતી માહિતી મુજબ, ગાંધીનગરનો એક પરિવાર ટેરાનોવાસ પિત્ઝા રેસ્ટોરાંમાં ભોજન માટે ગયો હતો. ઓર્ડર મુજબ પિઝા સર્વ કરવામાં આવ્યો હતો. પરંતુ ખાવા દરમિયાન એક ગ્રાહકને પિત્ઝાની અંદર કંઈક અસામાન્ય લાગ્યું. નજીકથી તપાસ કરતા પિત્ઝામાં વંદો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ગ્રાહકો તરત જ રેસ્ટોરાંના સ્ટાફ અને મેનેજમેન્ટને બોલાવીને કડક વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગ્રાહકો દ્વારા ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ રેસ્ટોરાંની સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

હાઈજીન અને ફૂડ સેફ્ટી ધોરણો પર ઉઠ્યા સવાલ

આ ઘટનાને લઈને ફૂડ સેફ્ટી નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ખોરાકમાં વંદા જેવી જીવાતો મળવી એ માત્ર બેદરકારી નથી, પરંતુ સીધું જાહેર આરોગ્ય માટેનું જોખમ છે. આવી પરિસ્થિતિમાં ફૂડ પોઈઝનિંગ અને અન્ય ચેપજન્ય રોગોના ફેલાવાની શક્યતા વધી જાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે શહેરના ઘણા રેસ્ટોરાંમાં આકર્ષક ઓફરો અને ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને ખેંચવામાં આવે છે, પરંતુ સ્વચ્છતા અને ગુણવત્તા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

નિયમિત તપાસ અને ફૂડ ઇન્સ્પેક્શન પર પણ ઉઠ્યા પ્રશ્નો

આ ઘટના બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે શહેરમાં રેસ્ટોરાંની નિયમિત તપાસ કેટલી અસરકારક રીતે થાય છે અને નિયમોનું પાલન ન થવા પર કઈ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને “બાય વન ગેટ વન” જેવી ઓફરો આપતા રેસ્ટોરાંમાં હાઈજીન ધોરણો જાળવવામાં આવે છે કે નહીં તે મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે આવા મામલામાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

સતત ઘટનાઓથી ફૂડ સેફ્ટી અંગે ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન પેકેજ્ડ નાસ્તામાં જીવાત મળવાની ઘટના પણ સામે આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરી દરમિયાન આ ઘટના બની હતી, જેના કારણે હાજર લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

એક જ શહેરમાં સતત બે દિવસમાં આવી અલગ અલગ ઘટનાઓ સામે આવતા ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્ય અંગે ગંભીર ચિંતાનો માહોલ સર્જાયો છે. નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત રેસ્ટોરાં સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: ઈતિહાસને જીવંત કરતી ગુજરાતની મ્યુઝિયમ ક્રાંતિ, વિશ્વના નકશા પર નવી છાપ

 

Back to top button