લ્યો બોલો, ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

In charge Assistant Municipal Commissioner Demanded Bribe : ગુજરાતમાં ભ્રષ્ટાચારે જાણે ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. સરકારી અધિકારીઓને તગડા પગાર હોવા છતાં લોકો પાસેથી રુપિયા લઈને કામ કરવાની આદત પડી ગઈ છે. ગુજરાતમાં લાંચના કિસ્સાઓ અનેકવાર પ્રકાશિત થયા છે, ત્યારે આજે ACB દ્વારા એક છટકુ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર જ ફસાયા ગયા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફિસમાં જ આજે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં શહેરની જ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, તથા ટેક્ષ કલેક્ટર, વર્ગ-1, ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ ફરિયાદીના વેચાણ કરેલા વાહનના ટેક્ષ ભરવા બાબતે વિસંગતા ઊભી થતા ફરિયાદ નહી કરવા તેમજ તેમની એજન્સીનું લાયસન્સ રદ ન કરવા માટે રુપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકમ સ્વિકારતા જ ACBની ટીમે આ અધિકારીને દબોચી લીધા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરીયાદીએ એક વાહન વેચાણ કર્યું હતું, જેમાં એક ગ્રાહકના મહાનગરપાલિકામાં વાહનના ટેક્ષ ભરવા બાબતે થોડી વિસંગતતા ઉભી થઈ હતી. જો કે ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયાએ આ વિસંગતતા માટે ફરીયાદીને ફરીયાદ ન કરવા, તેમની એજન્સીનુ લાયસન્સ રદ ન કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે અવેજ પેટે ફરીયાદી પાસેથી રૂ.1,00,000/ની લાંચની માંગ કરી હતી.
અધિકારી દ્વારા આવડી મોટી રકમની લાંચ માંગતા ફરીયાદીએ ગાંધીનગર ACBનો સંપર્ક કરીને વિગત જણાવી હતી. જેના પગલે ગાંધીનગર ACBની ટીમ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ઉપેન્દ્રકુમાર સુતરીયા ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપાયા હતા. ACBની ટીમે આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરીને ફરિયાદ નોંધી વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.












