ગુજરાત

Gandhinagar: તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Gandhinagar Weather News: ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉનાળો જાણે ચોમાસામાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ જનજીવન અને ખેતી પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.

મેઘરાજાની તોફાની એન્ટ્રી અને વીજ ગુલ

દહેગામ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને પગલે સ્થાનિકોને કલાકો સુધી અંધારપટનો સામનો કરવો પડ્યો છે. વીજ તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે.

જગતનો તાત ફરી ચિંતામાં

ભરઉનાળે સર્જાયેલા આ માવઠાને કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ઉનાળુ પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જે ખેડૂતોએ પાકની કાપણી કરી છે, તેમના માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી અકળાયેલા લોકો માટે આ વરસાદ થોડી રાહત લઈને આવ્યો છે.

આગાહી હજુ પણ યથાવત

હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી કેટલાક કલાકો સુધી દહેગામ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા રહેલી છે. તંત્ર દ્વારા નાગરિકોને ગાજવીજ સમયે સુરક્ષિત સ્થળે રહેવા અને વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઉભા ન રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં હજુ ઘટાડો થઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Surat: ભાજપમાં ટિકિટ માટે જંગ, 120 બેઠકો માટે 2078 દાવેદારો મેદાનમાં

Back to top button