ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગંભીરા બ્રિજ ઘટનાઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પીડિતો માટે વળતરની જાહેરાત

આણંદ, 9 જુલાઈ, 2025ઃ Gambhira Bridge incident ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. હજુ પણ ગંભીર રીતે ઘાયલોની સ્થિતિ નાજુક છે અને સારવાર ચાલી રહી છે. બીજી તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. State and central governments announce compensation

રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના X હેન્ડલ ઉપર આ જાહેરાત કરતાં કહ્યું કે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને ચાર (4) લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવી છે તથા ઘાયલોને ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી છે. વડાપ્રધાને PMOના X હેન્ડલ દ્વારા જણાવ્યું કે, “વડોદરા જિલ્લામાં બ્રિજ તૂટી પડવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યા તે ખેદજનક છે. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”

આ સાથે વડાપ્રધાને મૃતકોના નજીકના સગા માટે 2-2 લાખ રૂપિયા તથા ઘાયલોની સારવાર માટે રૂ. 50-50 હજારની સહાય જાહેર કરી છે.

આજે બુધવારે સવારે વડોદરા જિલ્લામાં એક પુલનો કેટલોક ભાગ ધરાશાયી થયો, જેના કારણે અનેક વાહનો નદીમાં પડી ગયા. ચાર દાયકા જૂના આ પુલના ધરાશાયી થવાની ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે અને અન્ય પાંચને બચાવી લેવાયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગંભીરા પુલનો એક ‘સ્લેબ’ ધરાશાયી થતાં 5 થી 6 વાહનો મહીસાગર નદીમાં પડી ગયા.

આ પણ વાંચોઃ ગંભીરા પુલ ઘટનાઃ વાહનો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા

મધ્ય ગુજરાતમાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ મધ્ય ગુજરાત અને રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારને જોડે છે. ઋષિકેશ પટેલે મીડિયાકર્મીઓને જણાવ્યું કે પુલનું નિર્માણ 1985માં કરવામાં આવ્યું હતું અને સમયાંતરે તેમજ જરૂર પડ્યે તેનું જાળવણી કાર્ય કરવામાં આવતું હતું. તેમણે જણાવ્યું કે, “ઘટનાના વાસ્તવિક કારણની તપાસ કરવામાં આવશે.”

રાજ્ય સરકાર વતી તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના કારણની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અકસ્માત અંગે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, “એક ટ્રક, એક ઇકો અને કેટલીક બાઇક નીચે પડી છે. વડોદરા પ્રશાસન અને NDRF ઘટનાસ્થળે હાજર છે. પુલ પર ફસાયેલા એક ટેન્કરને પડતાં બચાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગંભીરા પુલ - HDNews

પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ચરણે અગાઉ જણાવ્યું હતું કે ઘટના સવારે લગભગ સાડા સાત વાગ્યે બની અને બે ટ્રક અને બે વેન સહિત કેટલાંક વાહનો નદીમાં પડી ગયા. એક અધિકારીએ જણાવ્યું કે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ 900 મીટર લાંબા ગંભીરા પુલના 23 થાંભલા છે અને તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે.

આ પણ વાંચોઃ આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં પડ્યા મોટી જાનહાની?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button