ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય પાઇલટ, પ્લમ્બર અને ડેન્ટિસ્ટ બન્યા હીરો, Flydubai ફ્લાઇટના કોકપિટમાં શું થયું?

Flydubai Emergency Landing: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી Flydubaiની ફ્લાઇટ FZ1073માં સર્જાયેલી ગંભીર ઘટનામાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સહિત કેટલાક મુસાફરોની હિંમત અને સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. વિમાનના કોકપિટમાં થયેલા હુમલા બાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની તપાસ UAE સહિત સંબંધિત સત્તાવાળાઓ કરી રહ્યા છે.

કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો

અહેવાલો અનુસાર ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર અને સહ-પાઇલટ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. કેપ્ટન મચ્છરને ગંભીર ઈજાઓ થઈ હતી અને આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક મોટો ઘટાડો થયો હતો. ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, જેથી બહાર રહેલા મુસાફરો અને ક્રૂ અંદર પહોંચી શક્યા. આ પગલાને કારણે મુસાફરો અને ક્રૂ હુમલો કરનાર વ્યક્તિને કાબૂમાં લઈ શક્યા અને ત્યારબાદ વિમાન પર ફરી નિયંત્રણ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ.

પ્લમ્બર યાનિવ હાયુન બન્યા મદદગાર

આ ઘટનામાં ઇઝરાયેલી નાગરિક યાનિવ હાયુનનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને વ્યવસાયે પ્લમ્બર ગણાવ્યા હતા. હાયુનના જણાવ્યા મુજબ કોકપિટમાં પ્રવેશ્યા બાદ તેમણે અન્ય લોકો સાથે મળીને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી. વિમાનનું નિયંત્રણ ખોરવાયેલું હોવાથી તેમણે થોડા સમય માટે કંટ્રોલ સંભાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ અન્ય તાલીમપ્રાપ્ત પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ડેન્ટિસ્ટે ઈજાગ્રસ્ત પાઇલટની સારવાર કરી

ફ્લાઇટમાં સવાર ડેન્ટિસ્ટ ડૉ. શોતા મુસાએવે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ તેમણે ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને પ્રાથમિક સારવાર આપી અને તેમનો રક્તસ્ત્રાવ રોકવાનો પ્રયાસ કર્યો હતો. મચ્છરને માથા અને હાથ સહિત શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વિમાન સુરક્ષિત રીતે ઉતરે ત્યાં સુધી મુસાએવે તેમની સ્થિતિ પર નજર રાખી હતી.

અન્ય મુસાફરોએ પણ કરી મદદ

અહેવાલ મુજબ અસાફ રાજુઆન અને ઝ્વિકા મેનેસ સહિત અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યો પણ કોકપિટ તરફ દોડી આવ્યા હતા. તેમણે હુમલાખોરને કાબૂમાં રાખવામાં સહાય કરી હતી. આ સમગ્ર સંઘર્ષ દરમિયાન વિમાનની ઊંચાઈ ઝડપથી ઘટી હતી. ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટાએ પણ વિમાનની ઊંચાઈમાં મોટા અને ઝડપી ફેરફારો નોંધ્યા હતા.

સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ

પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ Flydubai FZ1073ને સાઉદી અરેબિયાના તબૂક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કેપ્ટન સ્મિત મચ્છર સહિત ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કોઈ મુસાફરના મોતના અહેવાલ સામે આવ્યા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હુમલાનો હેતુ શું હતો?

ઘટનાના હેતુ અંગે હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે. ઇઝરાયેલી અધિકારીઓએ આ ઘટનાને અત્યંત ગંભીર સુરક્ષા ઘટના ગણાવી છે, જ્યારે UAEએ પણ તપાસ શરૂ કરી છે. હુમલો પૂર્વનિયોજિત હતો કે નહીં અને તેની પાછળ કોઈ સંગઠિત કડી હતી કે નહીં તે હજી નિશ્ચિત થયું નથી. ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની ગંભીર ઈજાઓ વચ્ચેની કાર્યવાહી અને મુસાફરો-ક્રૂની સંયુક્ત હિંમતને કારણે વિમાન સુરક્ષિત રીતે ઉતારવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ માતાપિતા હવે બાળકોના WhatsApp એકાઉન્ટ્સ પર રાખી શકશે નજર! જાણો નવી સુવિધા વિશે
Back to top button