ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાઇલટ સીધું હાઇજેક કેમ નથી કહેતો? જાણો 7500, 7600 અને 7700 કોડનું રહસ્ય

Aircraft Emergency Code: વિમાન આકાશમાં હોય અને અચાનક કોઈ ગંભીર સંકટ ઊભું થાય ત્યારે પાઇલટ દરેક વખતે રેડિયો પર ખુલ્લેઆમ સમગ્ર સ્થિતિ જણાવી શકે એવું જરૂરી નથી. આવી પરિસ્થિતિમાં એર ટ્રાફિક કંટ્રોલને તાત્કાલિક સંકેત આપવા માટે વિમાનના ટ્રાન્સપોન્ડરમાં ખાસ ચાર અંકના ઇમરજન્સી કોડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં 7500, 7600 અને 7700 સૌથી મહત્ત્વપૂર્ણ કોડ માનવામાં આવે છે.

તાજેતરમાં દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073એ પહેલા 7700 ઇમરજન્સી કોડ મોકલ્યો હતો અને થોડા સમય બાદ તેને 7500માં બદલ્યો હતો. આ ઘટનાને પગલે સવાલ ઊભો થયો કે આખરે આ કોડનો અર્થ શું થાય છે અને પાઇલટ સીધું ‘હાઇજેક’ કેમ નથી કહેતો?

7500 કોડનો અર્થ શું?

વિમાનનો ટ્રાન્સપોન્ડર કોડ 7500 દર્શાવે તો તેનો અર્થ સામાન્ય રીતે વિમાનમાં ગેરકાયદે દખલ અથવા હાઇજેક જેવી સ્થિતિ હોવાનો સંકેત માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પાઇલટ માટે રેડિયો પર ખુલ્લેઆમ વાત કરવી જોખમી બની શકે છે. ખાસ કરીને જો કોકપિટમાં કોઈ અનધિકૃત વ્યક્તિ હાજર હોય અથવા ક્રૂ પર દબાણ કરવામાં આવી રહ્યું હોય તો પાઇલટ ટ્રાન્સપોન્ડરને 7500 પર સેટ કરીને એર ટ્રાફિક કંટ્રોલને સંકેત આપી શકે છે. કંટ્રોલરને 7500 કોડ મળ્યા બાદ વિશેષ સુરક્ષા પ્રક્રિયા અમલમાં આવી શકે છે અને સંબંધિત એજન્સીઓને પણ જાણ કરવામાં આવે છે.

7600 કોડ શું દર્શાવે છે?

ટ્રાન્સપોન્ડર કોડ 7600નો ઉપયોગ રેડિયો કોમ્યુનિકેશન નિષ્ફળ જાય ત્યારે કરવામાં આવે છે. એટલે કે વિમાન સામાન્ય રીતે ઉડી રહ્યું હોય પરંતુ પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે રેડિયો દ્વારા વાતચીત શક્ય ન હોય ત્યારે પાઇલટ 7600 કોડ સેટ કરી શકે છે. આ કોડ જોયા બાદ ATC સમજી શકે છે કે વિમાન સાથે વોઇસ કોમ્યુનિકેશન ઉપલબ્ધ નથી અને તે મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

7700 એટલે સામાન્ય ઇમરજન્સી

7700 કોડનો અર્થ વિમાનમાં સામાન્ય પરંતુ ગંભીર ઇમરજન્સી હોવાનો થાય છે. ટેક્નિકલ ખામી, મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય એવી ગંભીર પરિસ્થિતિ જેમાં વિમાનને તાત્કાલિક પ્રાથમિકતા અથવા સહાયની જરૂર હોય ત્યારે 7700 કોડનો ઉપયોગ થઈ શકે છે. આ કોડ મળતાં એર ટ્રાફિક કંટ્રોલ વિમાનને પ્રાથમિકતા આપે છે અને જરૂરી સહાય માટે સંબંધિત એરપોર્ટ તથા ઇમરજન્સી સેવાઓને સતર્ક કરી શકે છે.

પાઇલટ સીધું ‘હાઇજેક’ કેમ નથી કહેતો?

હાઇજેક અથવા ગેરકાયદે દખલની સ્થિતિમાં પાઇલટ માટે રેડિયો પર ખુલ્લેઆમ ‘હાઇજેક’ શબ્દ બોલવો દરેક વખતે સુરક્ષિત નથી હોતો. જો હુમલાખોર કોકપિટમાં હાજર હોય અથવા રેડિયો વાતચીત સાંભળી રહ્યો હોય તો પાઇલટની જાહેરાતથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં 7500 કોડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મૌન સંકેત બની જાય છે. જોકે પરિસ્થિતિ સુરક્ષિત હોય તો પાઇલટ રેડિયો દ્વારા પણ ATCને માહિતી આપી શકે છે. એટલે 7500 કોડ રેડિયો કોમ્યુનિકેશનનો સંપૂર્ણ વિકલ્પ નથી, પરંતુ મુશ્કેલ સ્થિતિમાં સુરક્ષિત સંકેત આપવાનું સાધન છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ATCને 7500 કોડ મળે પછી શું થાય?

એર ટ્રાફિક કંટ્રોલને કોઈ વિમાન તરફથી 7500 કોડ મળે તો કંટ્રોલર પહેલાં શક્ય હોય ત્યાં સુધી પાઇલટ પાસેથી તેની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરે છે. જો પાઇલટ કોડ સાચો હોવાનું જણાવે અથવા કોઈ જવાબ ન આપે તો ATC પરિસ્થિતિને ગંભીરતાથી લઈને નક્કી કરેલી સુરક્ષા પ્રક્રિયા પ્રમાણે આગળ વધે છે. વિમાનની ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે અને સંબંધિત સુરક્ષા તથા સરકારી એજન્સીઓને જાણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ જાંબાઝ ગુજરાતી: કેપ્ટન સ્મિત મચ્છર, જેમણે મોત સામે લડીને હવામાં હાઇજેકનો પ્લાન નિષ્ફળ બનાવ્યો!
Back to top button