અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની પત્ની અને સાસરિયા સામે FIR

અમદાવાદ 16 ઓગસ્ટ 2025: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદે તેમની પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવારજનો સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે પત્ની અને તેના પરિવારે 100 કરોડ રૂપિયાની માંગણી કરી અને 11 લાખ રૂપિયા પડાવ્યા.
વ્રજેન્દ્ર પ્રસાદના જણાવ્યા મુજબ, 2023માં શશીકાંત તિવારી નામની વ્યક્તિ સાથે ઓળખાણ થઈ, જે બાદ 2024માં અવંતિકા સાથે લગ્ન થયા. લગ્ન બાદ હનીમૂન માટે ઈન્ડોનેશિયાના બાલી ગયા, જ્યાં અવંતિકાએ ખાવામાં સફેદ પાવડર જેવું કંઈક ભેળવ્યું હોવાનું વ્રજેન્દ્રએ જોયું. આ પાવડર આયુર્વેદિક દવા હોવાનું અવંતિકાએ જણાવ્યું, પરંતુ વ્રજેન્દ્રને શંકા ગઈ. બીજા દિવસે તેમની તબિયત બગડી, અને તપાસમાં અવંતિકાની બેગમાંથી સફેદ પાવડરની પોટલી મળી.
હનીમૂન બાદ અવંતિકાએ અલગ-અલગ કારણો દર્શાવી 11 લાખ રૂપિયા લીધા, જેમાં તેના ભાઈની શિક્ષણ ફીનો ખર્ચ પણ સામેલ હતો. વ્રજેન્દ્રએ અવંતિકાના ફોનમાં સોશિયલ મીડિયા ચેટમાં 100 કરોડ રૂપિયા પડાવી ભાગી જવાની વાત જોઈ, જેના સ્ક્રીનશૉટ પણ લીધા. બાદમાં નારણપુરા ખાતે સ્વામિનારાયણ મ્યુઝિયમમાં મળેલા સાસરિયાઓએ 100 કરોડની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.
આ મામલે વ્રજેન્દ્ર પ્રસાદે પત્ની અવંતિકા શુક્લા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે.












