‘મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં…’ 11મા ધોરણમાં નાપાસ થયા બાદ ત્રણ વખત MPPSC ક્રેક કરી ખેડૂતની દીકરી બની ડેપ્યુટી કલેક્ટર

મધ્ય પ્રદેશઃ 11 ઓક્ટોબરઃ 2025: MP Success story: કહેવાય છે કે ‘નિષ્ફળતાથી ડરો નહીં, પરંતુ પ્રયાસ ન કરવાથી ડરો’. મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતી પ્રિયલ યાદવ (લગ્ન બાદ પ્રિયલ સિંહ રાઠોડ)ની સફળતાની કહાણી અનેક યુવતીઓ માટે પ્રેરણાથી ઓછી નથી. 11મા ધોરણમાં નાપાસ થયેલી પ્રિયલ આજે મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે એક કે બે વાર નહીં, પરંતુ ત્રણ વખત MPPSC (મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા પાસ કરી છે.
પ્રિયલની પ્રેરણાદાયક કહાણી
11મા ધોરણની ચોંકાવનારી નિષ્ફળતાથી લઈને પોતાના ગૃહ રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર બનવા સુધી, પ્રિયલ યાદવે પોતાના જીવનમાં એક લાંબી સફર ખેડી છે. તેમની કહાણી એ તમામ લોકોને પ્રેરણા આપી શકે છે જેઓ મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓ છતાં એક સારું કરિયર બનાવવાની ઈચ્છા ધરાવે છે.
પ્રિયલ યાદવ મૂળરૂપે મધ્યપ્રદેશના હરદા જિલ્લાના એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. પ્રિયલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતા માત્ર ત્રીજું ધોરણ અને માતા સાત કે આઠ ધોરણ સુધી ભણેલા હોવા છતાં, તેમણે પ્રિયલને દૂર ઇન્દોર મોકલીને ભણાવી છે.
10મામાં 90% પછી 11મામાં નાપાસ
પ્રિયલ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા અને 10મા ધોરણમાં તેમણે 90% માર્ક્સ મેળવ્યા હતા. જોકે, 10મું પાસ કર્યા બાદ તેમણે લીધેલો એક નિર્ણય ખોટો પડ્યો. સંબંધીઓના કહેવા પર તેમણે મેડિકલ સ્ટ્રીમમાં જવાનું વિચાર્યું, જેના કારણે તે 11મા ધોરણમાં નાપાસ થઈ ગયા.

પ્રિયલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હું 10મા ધોરણ સુધી ટોપર હતી, પરંતુ સગાં-સંબંધીઓના દબાણને કારણે મેં 11મામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિત વિષય પસંદ કર્યા, જેમાં મને કોઈ રસ નહોતો અને હું ફિઝિક્સમાં ફેલ થઈ ગઈ.”
માતા-પિતાનો સપોર્ટ અને સિવિલ સર્વિસની પસંદગી
જે સમાજમાં યુવતીઓના લગ્ન વહેલા કરાવી દેવામાં આવે છે, ત્યાં પ્રિયલના માતા-પિતાએ તેમને અભ્યાસ ચાલુ રાખવાની સંપૂર્ણ આઝાદી આપી. પ્રિયલ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાને આપે છે. તેમણે કહ્યું કે, “હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું જ્યાં યુવતીઓના લગ્ન ઓછી ઉંમરે કરી દેવાય છે, પરંતુ મારા માતા-પિતાએ મારા પર લગ્ન માટે ક્યારેય દબાણ ન કર્યું.”
12મા ધોરણ પછી પ્રિયલનું એડમિશન એન્જિનિયરિંગ કોલેજમાં થયું. એન્જિનિયરિંગ પછી તેમને એક મોટી કંપનીમાં સારી નોકરી પણ મળી રહી હતી, પરંતુ તેઓ સિવિલ સર્વિસમાં જવા માગતા હતા. શરૂઆતમાં પિતા તૈયાર નહોતા, પણ પાછળથી માની ગયા.
ત્રણ વખત PCS પરીક્ષા પાસ કરીને બની ડેપ્યુટી કલેક્ટર
11મા ધોરણમાં નિષ્ફળતા મળ્યા છતાં, પ્રિયલે હિંમત ન હારી અને સખત મહેનત તથા ધૈર્યથી સફળતા મેળવી. તેમણે ત્રણ વખત મધ્યપ્રદેશ સિવિલ સર્વિસ પરીક્ષા (MPPSC PCS Exam) પાસ કરી.
- પ્રથમ પ્રયાસ (2019): પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરીને 19મો રેન્ક મેળવ્યો અને જિલ્લા રજિસ્ટ્રાર તરીકે નિમણૂક મળી.
- બીજો પ્રયાસ (2020): ફરી પરીક્ષા આપી અને 34મો રેન્ક મેળવ્યો, જેના થકી સહકાર વિભાગમાં સહાયક કમિશનર તરીકે પસંદગી થઈ.
- ત્રીજો પ્રયાસ (2021): રેન્ક સુધારવા માટે ફરી પ્રયાસ કર્યો અને 14મો રેન્ક મેળવીને રાજ્યમાં ટોપ 10 મહિલા ઉમેદવારોમાં સ્થાન બનાવ્યું.
આજે પ્રિયલ યાદવ મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર તૈનાત છે. તેમની આ સફર મહેનત અને હિંમતના જોરે કોઈપણ મુશ્કેલીને પાર કરી શકાય છે તેનો જીવંત ઉદાહરણ છે.
આ પણ વાંચોઃ પોલીસ ચોકી બની જન્મ દિવસની પાર્ટીનું સ્થળ: માસૂમ પુત્રના કેકે તૂટતા પરિવારને ફરી બચાવ્યો
આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી : માંઝી NDAમાં સીટ-શેરિંગ ફોર્મ્યુલાથી નારાજ; જો બધું સમુસુથરું ન ઉતરે તો લઈ શકે છે મોટો નિર્ણય











